આકરી ગરમીને લઈને હવામાન વિભાગ તરફથી મોટી ચેતવણી, ગુજરાત, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશમાં પાંચ દિવસ સુધી ગરમીથી રાહત મળવાની કોઈ આશા નથી.
ગુજરાત સહિત દેશના મોટા ભાગમાં મંગળવારે સતત પાંચમા દિવસે આકરી ગરમી યથાવત રહી હતી. કાળઝાળ ગરમીના કારણે લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ખાસ કરીને પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશમાં તાપમાન રેકોર્ડ તોડી રહ્યું છે. હવે આકરી ગરમીને લઈને હવામાન વિભાગ તરફથી મોટી ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે આ રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી ગરમીથી રાહત મળવાની કોઈ આશા નથી. હવામાન વિભાગે આ રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને સંવેદનશીલ લોકો માટે અત્યંત કાળજી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. વિભાગે કહ્યું કે, હિમાચલ પ્રદેશના નીચલા પહાડીઓમાં આગામી પાંચ દિવસ સુધી ભારે ગરમી ચાલુ રહેશે.
ઘણા રાજ્યોમાં તાપમાન ૪૫ ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી ગયું
રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં મંગળવારે મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહ્યું હતું. ઘણા લોકોએ બપોરે ઘરની અંદર જ રહેવાનું પસંદ કર્યું. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ લોકો ભારે ગરમી અને ભેજનો સામનો કરી રહ્યા છે.
મંગળવારે હરિયાણાના સિરસામાં તાપમાનનો પારો ૪૭.૮ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો હતો અને તે દેશનું સૌથી ગરમ સ્થળ હતું. દિલ્હીમાં પાછલા દિવસોની સરખામણીમાં તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો હતો, પરંતુ તે સામાન્ય કરતાં ત્રણથી પાંચ ડિગ્રી વધુ રહ્યો હતો.
