બાંગ્લાદેશી સાંસદ અનવારુલ અજમી અનાર હત્યા કેસમાં રોજ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે, કોલકાતા પોલીસ અને બાંગ્લાદેશ પોલીસ પોતાની રીતે તપાસ કરી રહી. તો જોઈએ શું છે કેસ?.

બાંગ્લાદેશના સાંસદ અનવારુલ અજમી અનારની હત્યા બાદ તણાવ વધી ગયો છે, એક તરફ બાંગ્લાદેશે પોતાના સ્તરે આ મામલાની તપાસ શરૂ કરી છે, તો પશ્ચિમ બંગાળમાં પણ કોલકાતા પોલીસ આ સમયે સંપૂર્ણ સહયોગ આપી રહી છે. બંને ટીમો સાથે મળીને આ મામલાની તપાસમાં લાગેલી છે, અને જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે, ઘટનાના દિવસે અનવરલાલ આઝમી અનારની હત્યા કેવી રીતે અને કોની મદદથી કરવામાં આવી.
બે મહિના પહેલા રચાયુ ષડયંત્ર
અત્યાર સુધી આ કેસમાં એટલી જ માહિતી મળી હતી કે, બાંગ્લાદેશના સાંસદનો મૃતદેહ કોલકાતાના એક ફ્લેટમાંથી મળ્યો હતો. પરંતુ જેમ જેમ તપાસ આગળ વધી રહી છે, તેમ તેમ કેટલીક નવી બાબતો સામે આવી રહી છે. હવે આ સંબંધમાં એક નવો ખુલાસો સામે આવ્યો છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ હત્યાનું કાવતરું બે મહિના પહેલા ઘડવામાં આવ્યું હતું.
છોકરી અને કસાઈની ભૂમિકા
અમેરિકામાં બેઠેલા અન્ય એક બાંગ્લાદેશીએ જ આ સાંસદને મારવાનો સંપૂર્ણ પ્લાન તૈયાર કર્યો હતો. પ્લાન મુજબ સૌથી પહેલા ૨ મહિના પહેલા બાંગ્લાદેશથી એક કસાઈને બોલાવવામાં આવ્યો હતો, આ સિવાય બાંગ્લાદેશી સાંસદને હની ટ્રેપ કરવા માટે એક છોકરી પણ ગોઠવવામાં આવી હતી. તે યુવતીનું નામ સેલેસ્ટી રહેમાન હોવાનું કહેવાય છે, જેણે પહેલા સાંસદ સાથે મિત્રતા કેળવી અને પછી તેને સંપૂર્ણ રીતે જાળમાં ફસાવી દીધો.
કેવી રીતે થઈ હત્યા?
ઘટનાના દિવસે યુવતીએ ખૂબ જ ચતુરાઈથી સાંસદને ન્યૂ ટાઉન સ્થિત તેના ફ્લેટમાં બોલાવ્યો અને પછી ત્યાં તેની હત્યા કરી દેવામાં આવી. પ્રાપ્ત માહિતી અનુસાર, સૌપ્રથમ સાંસદને બેડરૂમમાં લાવવામાં આવ્યા, ત્યાં થોડીવાર વાતચીત થઈ અને પછી અચાનક તેમના ચહેરા પર ઓશીકું મૂકી દેવામાં આવ્યું. સાંસદનું શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયા બાદ કસાઈએ પોતાનું કામ શરૂ કર્યું.
લાશ કેવી રીતે ઠેકાણે પાડી?
સૌથી પહેલા કસાઈએ સાંસદના શરીર પરથી તમામ ચામડી-માંસ કાઢી નાખ્યું અને પછી હાડકાંના નાના-નાના ટુકડા કરી નાખ્યા. નવાઈની વાત એ છે કે, હાડકાના ટુકડાઓ પર હળદર પણ લગાવવામાં આવી હતી, જેથી કરીને તે ઝડપથી બગડી જાય અને ત્યારબાદ તે હાડકાઓને અલગ-અલગ જગ્યાએ ફેંકી દેવામાં આવ્યા. સાંસદનો મૃતદેહ કોઈપણ સંજોગોમાં પોલીસના હાથમાં ન આવે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા.
તપાસ ક્યાં સુધી પહોંચી?
હાલ તો આ કેસમાં કસાઈની ધરપકડ કરવામાં આવી છે, અને જે વાહનમાં તમામ ટુકડાઓ ફેંકવામાં આવ્યા હતા તેનો ડ્રાઈવરને પણ પોલીસ ઝડપી પાડ્યો છે. હાલમાં ઘણા વધુ લોકોને શંકાસ્પદ ગણવામાં આવી રહ્યા છે, તેથી આગામી દિવસોમાં વધુ ધરપકડ કરવામાં આવી શકે છે. હાલમાં, પોલીસ એમ પણ માની રહી છે કે, તેઓ એમપીનો સંપૂર્ણ મૃતદેહ શોધી શકશે નહીં, પરંતુ કેટલાક હાડકાના ટુકડા ચોક્કસપણે મળી શકે છે, જેના દ્વારા વધુ તપાસ થઈ શકે છે.