માછીમારોને ૨૭ મેની સવાર સુધી ઉત્તર બંગાળની ખાડીમાં દરિયામાં ન જવાની ચેતવણી, રવિવારે ચક્રવાતના પ્રભાવ હેઠળ પવનની ગતિ ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
બંગાળની ખાડીમાં રચાયેલ દબાણ ક્ષેત્ર વધુ ગાઢ બની શકે છે અને ગંભીર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લઈ શકે છે. વાવાઝોડું પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે ૨૬ મેની મધ્યરાત્રિની આસપાસ જમીન પર ત્રાટકે તેવી સંભાવના છે. માછીમારોને ૨૭ મેની સવાર સુધી ઉત્તર બંગાળની ખાડીમાં દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે. IMDએ જણાવ્યું હતું કે, રવિવારે ચક્રવાતના પ્રભાવ હેઠળ પવનની ગતિ ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. અહી ખાસ નોંધનિય છે કે, આ વાવાઝોડાની અત્યાર સુધીની અપડેટ મુજબ ગુજરાત ઉપર કોઈ અસર નહિ. જોકે સંભવિત રીતે સામાન્ય વરસાદ પડી શકે છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત રવિવારે મધ્યરાત્રિએ પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે ટકરાશે. બંગાળની ખાડીમાં આ ચોમાસા પહેલાનું આ પ્રથમ ચક્રવાત છે.હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતના નામકરણની સિસ્ટમ અનુસાર તેનું નામ રેમલ રાખવામાં આવશે. આ ચક્રવાત શનિવારે સવાર સુધીમાં ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે અને શનિવારની રાત સુધીમાં વધુ તીવ્ર બનીને ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતી તોફાન જમીન પર ત્રાટકે ત્યારે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે કોલકાતા, દક્ષિણ અને ઉત્તર ૨૪ પરગણા, પૂર્વ મેદિનીપુર અને હાવડા જિલ્લામાં ૨૬ અને ૨૭ મેના રોજ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. તેના પ્રભાવ હેઠળ ૨૫ મેથી ઉત્તર અને દક્ષિણ ઓડિશામાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. હવામાનશાસ્ત્રી ઉમાશંકર દાસે જણાવ્યું હતું કે, ઓડિશાના જે જિલ્લાઓમાં ૨૬ મેના રોજ વરસાદની સંભાવના છે તેમાં બાલાસોર, ભદ્રક અને કેન્દ્રપારાનો સમાવેશ થાય છે. ૨૭ મેના રોજ બાલાસોર, ભદ્રક અને મયુરભંજમાં વરસાદ પડી શકે છે.
વાવાઝોડાના લેન્ડફોલ સમયે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ૧.૫ મીટર ઊંચા મોજા ઉછળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયામાં હાજર માછીમારોને ૨૭ મે સુધી કિનારે પાછા ફરવાની અને બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.