કેનેડામાં પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડે ઈમિગ્રેશન પરમિટના નિયમમાં ફેરફાર કરવાનો નિર્ણય લેતા ભારતીય વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા, વતન પાછા આવવું પડી શકે છે.

કેનેડામાં મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો રહે છે. તેની પાછળનું કારણ એ છે કે, કેનેડા હંમેશા વિદેશી નાગરિકોને આવકારે છે. હાલમાં, પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ (PEI), ત્યાંનો સૌથી નાનો પ્રદેશ, મોટી માત્રામાં ઇમિગ્રેશન પરમિટમાં ઘટાડો કરી રહ્યું છે.
કેનેડા નવા નિયમનો ભારતીય વિદ્યાર્થીઓ કરી રહ્યા વિરોધ
PEI ના આ નિર્ણયનો ઘણો વિરોધ થઈ રહ્યો છે અને ભારતીય વિદ્યાર્થીઓ સૌથી વધુ વિરોધ કરી રહ્યા છે. વિરોધ કરી રહેલા મોટાભાગના વિદ્યાર્થીઓ કેનેડામાં રહે છે અને અભ્યાસ કરે છે. ભારતીય વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે કે, તેમની પરમિટ થોડા સમય માટે લંબાવવામાં આવે. પરંતુ ત્યાંના સ્થાનિક લોકો તેની વિરુદ્ધ છે. ત્યાંના લોકોનું કહેવું છે કે, આ નિયમ સરકારે ઘણા સમય પહેલા જ લાગુ કરી દેવો જોઈતો હતો. કારણ કે બહારથી આવતા પરપ્રાંતિય નાગરિકોને કારણે તેમને રોજગારીની ઓછી તકો મળે છે.
ભારતીય વિદ્યાર્થીઓ સહિતના વિદેશી નાગરીકોને દેશનિકાલ!
કેનેડાના પ્રાંત પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડે અન્ય દેશોમાંથી મોટી સંખ્યામાં વિદેશી નાગરિકોને ધ્યાનમાં રાખીને કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. રાજ્યના નિયમોમાં ફેરફારની અસર મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર પડી રહી છે. આ નિયમના કારણે ભારતીય વિદ્યાર્થીઓને દેશનિકાલનો પણ સામનો કરવો પડી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, (PEI) એ તેની ઈમિગ્રેશન પરમિટમાં 25 ટકાનો ઘટાડો કર્યો છે. તેની પાછળના મુખ્ય કારણો આવાસ, સ્વાસ્થ્ય અને નોકરી સાથે જોડાયેલા છે.
રાજ્યના લોકોને ઇમિગ્રન્ટ્સ સામે વાંધો છે
કેનેડા જેવા દેશ માટે આવો નિર્ણયો અન્ય દેશોના લોકો માટે આશ્ચર્યજનક છે. તેની સીધી અસર ભારતીય નાગરિકો પર પડી છે. કેનેડાના નાગરિકોએ પણ આ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે.
તેમનું કહેવું છે કે, આ આવનારા વિદ્યાર્થીઓ અને યુવાનો ધીમે ધીમે કેનેડાના કાયમી નિવાસી બની જાય છે. ઇમિગ્રન્ટ નાગરિકો પર એવો પણ આરોપ છે કે, તેઓ અહીં આવીને મકાનો બનાવે છે. કેનેડામાં લોકોની વસ્તી વધી રહી છે પરંતુ આવાસ સ્થિર છે.
વતન પાછા ફરવું પડી શકે છે
પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડ (PEI) ના આ નવા નિયમનો વિરોધ થઈ રહ્યો છે. જો ત્યાંની સરકાર પોતાના નિર્ણય પર અડગ રહેશે તો, ભારત સહિત અન્ય દેશોના નાગરિકોને તેમના દેશમાં પાછા ફરવું પડી શકે છે.