રાહુલ-તેજસ્વી સહિતના વિપક્ષી ગઠબંધનના નેતાઓ માંડ બચ્યા.
હાલ લોકસભા ચૂંટણીમાં છ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ સમાપ્ત થયા બાદ હવે પહેલી જૂને યોજાનાર છેલ્લા તબક્કાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. દેશની ૪૮૭ બેઠકો પર મતદાન પૂર્ણ થયા બાદ ૫૭ બેઠક પર મતદાન થાય તે પહેલા વિવિધ નેતાઓ ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે, ત્યારે બિહારમાં ઈન્ડિયા ગઠબંધનના નેતાઓની ચૂંટણીસભા દરમિયાન મંચ તૂટી પડવાની ઘટના બની છે. કોંગ્રસ નેતા રાહુલ ગાંધી, રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ સહિત ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ મંચ પર પહોંચ્યા, ત્યારે આ ઘટના બની છે. જોકે રાહતની વાત એ છે કે, મંચ પરના કોઈપણ નેતાને ઈજા પહોંચી નથી. સોશિયલ મીડિયા પર મંચ તૂટી જવાનો વીડિયો પણ સામે આવ્યો છે.
રાહુલ-તેજસ્વી સહિતના નેતાઓ મંચ પર પહોંચ્યા, ત્યારે અચાનક મંચ તૂટ્યો હતો. આ દરમિયાન રાહુલની પાસે ઉભેલા મિસા ભારતીએ તુરંત રાહુલનો હાથ પકડી સંભાળી લીધા હતા. ત્યારબાદ સુરક્ષા કર્મચારીઓ રાહુલ ગાંધી પહોંચ્યા હતા, પરંતુ રાહુલે કર્મીઓને કહેતા જોવા મળી રહ્યા છે કે, તેઓ એકદમ ઠીક છે. બીજીતરફ તેજસ્વી યાદવ અન્ય નેતાઓને સહારો આપતા જોવા મળી રહ્યા છે. આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પટણાના બખ્તિયારપુરમાં જનસભા સંબોધી હતી.
લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધીમાં છ તબક્કામાં ૪૮૭ બેઠકો પર મતદાન શાંતિપૂર્ણ સમાપ્ત થયું છે. જ્યારે પહેલી જૂને સાતમાં તબક્કામાં ૫૭ બેઠકો પર મતદાન યોજાશે. સાતમાં તબક્કામાં બિહારની આઠ, હિમાચલ પ્રદેશની ચાર, ઝારખંડની ત્રણ, ઓડિશાની છ, પંજાબની ૧૩, ઉત્તર પ્રદેશની ૧૪, પશ્ચિમ બંગાળની નવ અને ચંડીગઢની એક બેઠક માટે મતદાન યોજાશે. પહેલા તબક્કામાં કુલ સરેરાશ ૫૯.૭૧ %, બીજા તબક્કામાં ૬૦.૯૬ %, ત્રીજા તબક્કામાં ૬૧.૪૫ %, ચોથા તબક્કામાં ૬૯.૧૬ %, પાંચમાં તબક્કામાં ૬૨.૦૨ % અને છઠ્ઠા તબક્કામાં આશરે ૬૦ % મતદાન નોંધાયું હતું. ચૂંટણી પંચે ચૂંટણીનું પરિણામ ચાર જૂને જાહેર કરવાનો નિર્ણય લીધો હતો, જો કે બાદમાં સિક્કમ અને અરૂણાચલ પ્રદેશની તારીખોમાં ફેરફાર કરી બીજી જૂને પરિણામ જાહેર કરવાનો નિર્ણય કર્યો હતો.