દેશભરમાં હાલ પડી રહેલી અંગદઝાડતી ગરમી અને લૂમાં લોકો તોબા પોકારી ગયા છે, ત્યારે હવામાન વિભાગે તોબા પોકારી ગયેલા લોકો માટે ચોમાસાની પધરામણીની રાહતભરી આગાહી કરી છે. IMDએ કહ્યું કે, આગામી પાંચ દિવસમાં કેરળમાં ચોમાસાની શરૂઆત માટેની પરિસ્થિતિ બનવાની સંભાવના છે.
સામાન્ય રીતે કેરળમાં પહેલી જૂને ચોમાસાની પધરામણી થાય છે, જોકે આઈએમડીએ કહ્યું છે કે, આ વર્ષે કેરળમાં ૩૧મી મેએ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. આઈએમડીના મહાનિદેશક મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું હતું કે, ચોમાસું વહેલું તો નથી આવવાનું, પરંતુ સામાન્ય તારીખોની આસપાસ આવવાનું છે.
હવામાન વિભાગે જૂનથી સપ્ટેમ્બર સુધીના ચોમાસા દરમિયાન સામાન્યથી વધુ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી હતી. ગત વર્ષે ચોમાસાએ અંદામાન-નિકોબાર ટાપુ પર ૧૯ મેએ પધરામણી કરી હતી, પરંતુ કેરળમાં નવ દિવસના વિલંબ બાદ ૮ જૂને પહોંચ્યું હતું.
ચોમાસુ સામાન્ય રીતે પહેલી જૂનના રોજ કેરળમાં એન્ટ્રી કરે છે. તેના પછી તે સામાન્ય રીતે ઝડપથી ઉત્તર તરફ આગળ વધે છે. તેની સાથે તે ૧૫ જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં ફેલાઈ જાય છે. આ પહેલા હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આ વખતે ચોમાસામાં વધુ વરસાદ પડવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે ૧૫ એપ્રિલના રોજ તેમના વર્તારામાં જણાવ્યું હતું કે ચોમાસુ લગભગ ૧૦૬ % રહેવાની આશા છે.
હવામાન વિભાગના ડેટા મુજબ, કેરળમાં ચોમાસાની પધરામણીની તારીખો છેલ્લા ૧૫૦ વર્ષોમાં બદલાતી રહી છે. ૧૯૧૮માં ચોમાસું ૧૧ મેએ સૌપ્રથમ કેરળ પહોંચ્યું હતું, જ્યારે ૧૯૭૨માં ૧૮ જૂને સૌથી મોડું કેરળ પહોંચ્યું હતું. છેલ્લા ચાર વર્ષની વાત કરીએ તો ૨૦૨૦માં ચોમાસું પહેલી જૂન, ૨૦૨૧માં ૩ જૂન, ૨૦૨૨માં ૨૯ મે અને ૨૦૨૩માં ૮ જૂને કેરળ પહોંચ્યું હતું.