દિલ્હી અગન ભઠ્ઠી બની, તાપમાન ૫૦ ડિગ્રીએ પહોંચ્યું

દિલ્હી ઓરેન્જ એલર્ટ જાહેર.

દિલ્હી, યુપીથી લઈને એમપી સુધી આકાશમાંથી વરસી આગ, રાજસ્થાનમાં ગરમીનો 25 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અગન ભઠ્ઠી બની ગઈ છે, હવામાન વિભાગના જણાવ્યા મુજબ મંગળવારે દિલ્હીના ઘણા વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. દિલ્હીના મુંગેશપુર અને નરેલામાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. મુંગેશપુર અને નરેલામાં મહત્તમ તાપમાન ૪૯.૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ૯ ડિગ્રી વધારે છે. નજફગઢમાં પણ મહત્તમ તાપમાન ૪૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

હવામાન વિભાગના આંકડા દર્શાવે છે કે આ વખતે દિલ્હીમાં ગરમીએ છેલ્લા દસ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ૨૦૧૩ પછી પહેલીવાર દિલ્હીમાં મે મહિનામાં આટલી ગરમીનો અનુભવ થયો છે. મે મહિનામાં ૧૮ દિવસ એવા છે જ્યારે મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીથી ઉપર નોંધાયું છે. દિલ્હીના ઘણા વિસ્તારો ગરમીની લપેટમાં છે. સ્થિતિ એવી છે કે દિલ્હી નજફગઢ, મુંગેશપુર અને નરેલા જેવા વિસ્તારો અગન ભઠ્ઠી બનીને શેકાઈ રહ્યા છે.

એટલું જ નહીં પીતમપુરા, પુસા અને જાફરપુરમાં પણ આકરી ગરમી જોવા મળી હતી. આ ત્રણેય વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૪૮ ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. આ સામાન્ય કરતાં ૮ ડિગ્રી વધુ છે. હવામાન વિભાગે દિલ્હીમાં ૨૯ મે સુધી ભારે ગરમીનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. IMD અનુસાર, ૩૦ મેના રોજ પણ દિલ્હીમાં વધુ કે ઓછું એવું જ હવામાન રહેશે. દિલ્હીમાં ૩૦ મેના રોજ ભારે ગરમી અને હીટ વેવ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ઉત્તર ભારતના અન્ય રાજ્યો જેવા કે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે. રાજસ્થાનના ચુરુમાં તાપમાન 50.5 ડિગ્રીએ પહોંચી ગયું છે. ભયાનક ગરમીને કારણો બજારોમાં સુમસામ જોવા મળી રહ્યા છે. જનજીવન પણ પ્રભાવિત થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *