ટી૨૦ વર્લ્ડકપ બાદ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બદલાશે. રાહુલ દ્રવિડ નો કાર્યકાળ પૂરો થયા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા નવા કોચની શોધ ચાલી રહી છે. નવા કોચ માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૨૭મી મે છે, પરંતુ એવી ચર્ચા ચાલી રહી છે કે, ગૌતમ ગંભીર જ મુખ્ય દાવેદાર છે. બીજી તરફ સ્ટીફન ફ્લેમિંગ વિશે પણ ચર્ચાઓ ચાલી રહી છે. જોકે એવી સંભાવના છે કે, BCCI ભારતીય દિગ્ગજને જ તક આપવા આતુર છે.
ગૌતમ ગંભીર આઈપીએલની ટીમ કોલકાતા કિંગ રાઈડર્સ નો મેન્ટર છે અને તેની આગેવાની હેઠળ જ KKRએ તાજેતરમાં ચેમ્પિયન બની છે. ટીમ વિજેતા થયા બાદ બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ અને ગૌતમ ગંભીર વાતચીત કરતા જોવા મળ્યા હતા. ત્યારબાદ એવી અટકળો ચાલી રહી છે કે, ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીર પર મહોર વાગી શકે છે. હવે બંને વચ્ચે થયેલી વાતચીત અંગેની મોટી માહિતી સામે આવી છે.
કોચ સિલેક્શન સર્કલમાં ‘દેશ કે લીયે કરના હૈ’ની ચર્ચાઓ ચાલી રહી છે. એટલે કે જય શાહ અને ગૌતમ ગંભીર વચ્ચે ભારતીય ટીમના કોચ બની દેશ માટે યોગદાન આપવા પર ચર્ચા થઈ શકે છે. બીસીસીઆઈ અને ગૌતમ ગંભીરનું માનવું છે કે, આપણે દેશ માટે આ કરવું જોઈએ. કહેવાય છે કે, બીસીસીઆઈ સેક્રેટરી અને ગંભીર વચ્ચેની વાતચીત કોચ તરફ ઈશારા જેવી હતી. ઉલ્લેખનીય છે કે, ગૌતમ ગંભીર હંમેશા રાષ્ટ્રવાદનો અવાજ ઉઠાવતા રહે છે, તેઓ જાહેર પ્લેટફોર્મ પર દેશભક્તિના નિવેદનો આપતા જોવા મળ્યા છે.
મળતા અહેવાલો મુજબ ગૌતમ ગંભીરે મુખ્ય કોચ પદ માટે અરજી કરી છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. ક્રિકબઝના સૂત્ર અનુસાર, ગંભીરની નિમણૂક લગભગ નક્કી છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત થઈ શકે છે. જો ગૌતમ ગંભીર ભારતીય ટીમનો કોચ બનશે, તો તેણે કેકેઆરના મેન્ટર પદેથી રાજીનામું આપી દેવું પડશે.