૨ થી ૩ ડિગ્રી ઘટશે તાપમાન.
હાલ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગામી દિવસોના તાપમાન અંગે માહિતી આપી હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે હાલ અરબ સાગરમાં ડીપ સ્ટીપ પ્રેશર બન્યુ છે. અરબ સાગરમાંથી ફૂંકાતા પવનોના કારણે રાજ્યમાં ૨ થી ૩ ડિગ્રી તાપમાન ગગડશે. તો દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રતિકલાક ૨૫ થી ૩૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. દરિયામાં લો પ્રેશર સર્જાતા આગામી ૫ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે.
આ સાથે ચોમાસા અંગે પણ હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે દેશમાં ૧૦૬ % વરસાદ થવાની શક્યતાઓ છે. જેમાં ગુજરાતમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
૨૪ કલાકમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં હજુ પણ સૂર્યદેવ કોપાયમાન છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૯ જિલ્લામાં ૪૦ ડિગ્રીથી વધુ ગરમી નોંધાઈ હતી. જેમાં ૪૪.૧ ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. ભાવનગરમાં ૪૩.૬ ડિગ્રી, પાટનગર ગાંધીનગરમાં ૪૩.૪, રાજકોટમાં ૪૩, સુરેન્દ્રનગરમાં ૪૨, ખેડામાં ૪૨.૩, ડીસામાં ૪૧.૮ અને વડોદરામાં ૪૦.૬ ડિગ્રી નોંધાયું હતું મહત્તમ તાપમાન.