અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે 8 વિસ્તારમાં રાતે 10 વાગ્યા પછી હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે આજે મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય કર્યો કે જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં રાતના 10 વાગ્યા પછી હોટલ-રેસ્ટોરન્ટ બંધ રહેશે. તેમજ શહેરમાં માણેકચોક અને રાયપુર ખાણીપીણી બજાર પણ બંધ રહેશે.
AMCના આ નિર્ણય અંગે અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ, વેલફેર ફાઉન્ડેશનના ચેરમેન જયેન્દ્ર તન્નાએ જણાવ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાંજે 7.30 વાગ્યે અચાનક રાત્રે 10 વાગ્યાથી 8 વોર્ડમાં ખાણીપીણીની બજાર સહિત, કિરાણા, શાકભાજી સહિત તમામ વેપાર બંધ કરી આપવાનો હુકમ કરવામાં આવ્યો છે. કદાચ આ પ્રકારની તકેદારીના પગલાંની કેટલાય દીવસથી જરૂર લાગી રહી હતી. પરંતુ મોટેરા સ્ટેડિયમની ક્રિકેટ મેચમાં કોરોનાના પ્રોટોકોલના સતત ભંગ સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારની બેધારી નીતિનો વેપારી સમાજનો વિરોધ છે. દર વખતે અધિકારીઓ નાના વેપારીઓ પર જોહુકમી કરી સંતોષ મેળવીને વગ ધરાવતા મેચના આયોજકો સામે પગલાં લેતા અચકાય છે, જે પાડાને વાંકે પખાલીને ડામની નીતિ છે.
આવતીકાલથી મોટેરા સ્ટેડિયમની મેચો પણ પ્રેક્ષકો વિના યોજવામાં આવે તેવી કોર્પોરેશનના સત્તાધીશો સહિત મુખ્યમંત્રીને જાહેર અપીલ છે.
ઉપરોક્ત તમામ વોર્ડમાં હાલમાં રિપોર્ટ થયેલા કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈને ધંધાકીય એકમ જેવા કે, રેસ્ટોરન્ટ, મોલ, શો-રૂમ, ટી-સ્ટોલ, ફરસાણ દુકાન, કાપડની દુકાન, પાન મસાલાના ગલ્લા, હેર સલૂન, સ્પા, જિમ, ક્લબ વગેરે એકમો રાતના 10 વાગ્યા બાદ બંધ રાખવાના રહેશે. આ ઉપરાંત મધ્ય ઝોનના ખાડિયા વિસ્તારમાં આવેલા માણેકચોક ખાણીપીણી બજાર તથા રાયપુર દરવાજા પાસે આવેલા રાયપુર ખાણીપીણી બજાર પણ રાતના 10 વાગ્યા પછી બંધ રાખવાનો આદેશ કરાયો છે.