શિવ ખોડી જઈ રહેલા શ્રદ્ધાળુઓની બસ ખીણમાં ખાબકી.
જમ્મુમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં યાત્રાળુઓને લઈ જતી બસ ખીણમાં ખાબકતા ૧૫ લોકોના મોત થયા છે, જ્યારે ૧૫ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ઉત્તર પ્રદેશના હાથરસથી જમ્મુ-કાશ્મીરમાં આવેલી શિવ ખોડી ગુફા તરફ જઈ રહી હતી.
જમ્મુ-પૂંચ નેશનલ હાઈવે (૧૪૪A) પર અખનૂરના તુંગી મોર વિસ્તારમાં એક ભીષણ અકસ્માતની ઘટના બની છે. અહીં ઉત્તર પ્રદેશના હાથરસથી શિવ ખોડી જઈ રહેલા શ્રદ્ધાળુઓની બસ ૧૫૦ ફૂટ ઉંડી ખીણમાં ખાબકી હતી. જેમાં અત્યાર સુધીમાં ૧૫ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. લગભગ ૧૫ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવાય છે. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ સ્થાનિક પોલીસ અને તંત્રની ટીમ રાહત અને બચાવ કાર્યની કામગીરી કરી રહી છે.
ઉત્તર પ્રદેશ નંબર ધરાવતી આ બસ જમ્મુથી શિવ ખોડીની ગુફા તરફ જઈ રહી હતી. શિવ ખોડીની ગુફા રિયાસી જિલ્લામાં આવેલી છે, જે કટરા ખાતે માતા વૈષ્ણો દેવી મંદિરથી માત્ર ૮૦ કિલોમીટર દૂર છે.