ખાસ પહેરવેશમાં ૪૫ કલાક થશે ધ્યાનમગ્ન
લોકસભભા ચૂંટણીનું સાતમાં અને અંતિમ તબક્કાનું મતદાન પહેલી જૂને યોજાવાનું છે અને આજે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. વડાપ્રધાન મોદીએ લોકસભા ચૂંટણી-2024ની છેલ્લી જનસભા પંજાબના હોશિયારપુર સંબોધી હતી, ત્યારબાદ તેમણે તમિલનાડુ સ્થિત કન્યાકુમારીના સ્વામી વિવેકાનંદ મેમોરિયલમાં ધ્યાન સાધના શરૂ કરી દીધી છે. આ દરમિયાન તેઓ ૪૫ કલાક સુધી અન્નત્યાગ કરશે.
વડાપ્રધાન ૪૮ કલાક મૌન રહેશે, માત્ર પ્રવાહી પદાર્થ લેશે
વડાપ્રધાન મોદી સાંજે ૦૬:૪૫ થી ધ્યાન પર બેસી ગયા છે. હવે તેઓ ૪૮ કલાક સુધી ધ્યાન અવસ્થામાં રહેશે. આ પહેલા તેમણે ભગવતી અમ્મન મંદિર પહોંચી પૂજા-અર્ચના કરી હતી. તેઓ ૪૫ કલાકની ધ્યાનાવસ્થા સમયે માત્ર નારિયેળ પાણી, દ્રાક્ષનો રસ અને અન્ય પ્રવાહી પદાર્થ આરોગશે. આ દરમિયાન તેઓ ધ્યાન કક્ષમાંથી બહાર નહીં નિકળે અને મૌન રહેશે.
વડાપ્રધાન મોદી ગુરુવારે જ્યારે તમિલનાડુ પહોંચ્યા ત્યારે તેમણે પહેલા ભગવતી અમ્મન મંદિરમાં પૂજા કરી હતી. ત્યારબાદ તેઓ સ્વામી વિવેકાનંદ મેમોરિયલ પહોંચ્યા અને હવે તેઓ લગભગ બે દિવસ સુધી ધ્યાન પર બેસી ગયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ તેઓ પહેલી જૂને સંત તિરુવલ્લુરની પ્રતિમાના દર્શન કરવા જશે. મેમોરિયલ અને મૂર્તિ બંને નાના-નાના ટાપુ પર બનાવાયેલ છે. હાલ વડાપ્રધાન ધ્યાન પર બેઠા હોવાથી દરિયા વચ્ચે આવેલા સ્મારક પાસે ભારે સુરક્ષા બંદોસ્ત ગોઠવાયો છે.
ભાજપ નેતાઓએ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી લોકસભા ચૂંટણીના પ્રચારના સમાપન બાદ સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપવા માટે બનાવાયેલા રૉક મેમોરિયલમાં ધ્યાન સાધના કરશે. અગાઉ તેમણે વર્ષ 2019ની ચૂંટણી અભિયાન બાદ કેદારનાથ ગુફામાં આવો પ્રવાસ કર્યો હતો. વડાપ્રધાન એક જૂનની સાંજ સુધી ધ્યાન મંડપમાં ધ્યાન કરશે. એવું કહેવાય છે કે, વિવેદાનંદે ભારત માતા વિશે દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરી હતી. વડાપ્રધાન મોદીની યાત્રા પહેલા અહીં ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હતો અને તેમના પ્રવાસ દરમિયાન 3000 જવાનો સુરક્ષામાં તહેનાત રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કન્યાકુમારી પ્રવાસને લઈને ભારતીય નૌકાદળ અને ભારતીય કોસ્ટ ગાર્ડના યુદ્ધ જહાજો દરિયાઈ વિસ્તારની સુરક્ષા કરી રહ્યા છે. તમિલનાડુ મેરીટાઇમ સિક્યુરિટી જૂથના જહાજ પણ દરિયાઈ સરહદની સુરક્ષા માટે તહેનાત છે. આજ (૩૦મી મે) સવારથી જ માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આગામી ત્રણ દિવસ માછીમારોના દરિયામાં જવા પર પ્રતિબંધ રહેશે.
કન્યાકુમારી પહોંચી રહેલા તમામ પ્રવાસીઓ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સુરક્ષાકર્મીઓ સમયાંતરે હોટલ અને રિસોર્ટનું પણ ચેકિંગ કરી રહ્યા છે. પ્રવાસીઓને રોક મેમોરિયલ પર લઈ જતી ફેરી પણ ગુરુવારે સવારે ૧૦:૦૦ વાગ્યે બંધ કરી દેવામાં આવી હતી. વડાપ્રધાન મોદી શનિવારે કન્યાકુમારીથી રવાના થશે. આ પછી જ આ સેવા ફરી શરૂ થશે.
રોક મેમોરિયલમાં ધ્યાન કર્યા બાદ સ્વામી વિવેકાનંદના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું હતું. એવી માન્યતાઓ છે કે જેમ સારનાથનું ગૌતમ બુદ્ધના જીવનમાં સ્થાન હતું, તેવી જ રીતે સ્વામી વિવેકાનંદના જીવનમાં રોક મેમોરિયલનું સ્થાન રહ્યું હતું. સ્વામી વિવેકાનંદે અહીં ત્રણ દિવસ સુધી સાધના કરી હતી. અહીં જ સ્વામી વિવેકાનંદે વિકસિત ભારતનું સપનું જોયું હતું. કહેવાય છે કે અહીં જ વડાપ્રધાન મોદી ૩૦મી મેથી પહેલી જૂન સુધી ધ્યાન લગાવશે અને સ્વામીજીના વિકસિત ભારતના સપનાંને સાકાર કરવાનો સંકલ્પ સિદ્ધ કરશે.
લોકસભા ચૂંટણીમાં છ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ સમાપન થયા બાદ પહેલી જૂને સાતમાં અને અંતિમ તબક્કાનું મતદાન યોજાશે. છેલ્લા તબક્કાના ચૂંટણી પ્રચાર માટેના પ્રચાર પડઘમ આજે શાંત થયા છે. ચૂંટણીઓનું પરિણામ ચાર જૂને જાહેર કરાશે, જ્યારે સિક્કમ અને અરૂણાચલ પ્રદેશનું પરિણામ બીજી જૂને જાહેર કરાશે. આ સાથે ઓડિશા, આંધ્ર પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભાનું પણ પરિણામ જાહેર કરાશે.