કેન્દ્ર સરકારે સોમવારે લોકસભામાં માહિતી આપી હતી કે, છેલ્લાં બે વર્ષથી સરકારે 2000 રૂપિયાની ચલણી નોટો છાપી નથી. જોકે, નોટબંધી પછી કેન્દ્ર સરકારે સૌથી મોટા ચલણ તરીકે 2000 રૂપિયાની નોટો છાપી હતી.
રાજ્ય નાણામંત્રી અનુરાગ સિંહ ઠાકુરે લોકસભામાં લેખિત જવાબ આપતા આ માહિતી આપતા કહ્યું કે, 30 માર્ચ, 2018 સુધી ભારતીય અર્થતંત્રમાં 3,362 મિલિયનનું મૂલ્ય ધરાવતી 2000 રૂપિયાની નોટો હતી. બીજા શબ્દોમાં કહીએ તો ભારતીય અર્થતંત્રમાં રૂ. 2000ની નોટોનું કદ ફક્ત 3.27% છે, જ્યારે વેપારમાં તેનો હિસ્સો 37.26% છે. 26મી ફેબ્રુઆરી, 2021માં 2,499 મિલિયનનું મૂલ્ય ધરાવતી રૂ. 2000ની નોટો ભારતીય બજારમાં હતી, જે કુલ નોટોના 2.1% છે, જ્યારે તેનું મૂલ્ય કુલ મૂલ્યના 17.78% છે. નોટબંધી વખતે રૂ. 2000ની નોટો છાપવાનો નિર્ણય સરકારે આરબીઆઈ સાથે ચર્ચાવિમર્શ કરીને લીધો હતો, જેથી લોકોને આર્થિક વ્યવહારમાં મુશ્કેલી ના પડે.
આરબીઆઈએ 2019માં જાહેર કર્યું હતું કે એપ્રિલ 2016થી માર્ચ 2017 દરમિયાન રૂ. 2000ની 3,542.991 મિલિયન નોટો છાપી હતી. જોકે, 2017-18માં રૂ. 2000ની ફક્ત 111.507 મિલિયન નોટ છાપી હતી. એપ્રિલ 2019 પછી રૂ. 2000ની નવી નોટો છાપવામાં આવી નથી.
નવેમ્બર 2016માં સરકારે રૂ. 500 અને રૂ. 1000ની નોટો બંધ કરી દીધી હતી, જેનો હેતુ કાળું નાણું અને નકલી નોટો પર પ્રહાર કરવાનો હતો. ત્યાર પછી રૂ. 500ની નવી નોટો છપાઈ, પરંતુ રૂ. 1000ની નોટો બંધ કરી દેવાઈ હતી. આ દરમિયાન રૂ. 2000ની નવી નોટો બજારમાં મુકાઈ હતી.