યૉર્કના સ્ટેડિયમમાં ઐતિહાસિક સલામતી બંદોબસ્તની પોલીસની ખાતરી

છેલ્લા થોડા વર્ષોથી યુરોપના કેટલાક દેશોમાં તેમ જ અમેરિકામાં ‘લોન વૂલ્ફ’ અટૅકના બનાવ સમયાંતરે બનતા રહે છે. એમાં એક આતંકવાદી આત્મઘાતી બનવાની તૈયારી સાથે શસ્ત્રો અને દારૂગોળાથી સજ્જ થઈને ઘટનાસ્થળે આવ્યો હોય છે અને નક્કી કરેલા સમયે અને સ્થાને પોતાને ફૂંકી મારવાની સાથે આસપાસના ઘણા લોકોના જાન લેતો જાય છે. આવા આત્મઘાતી હુમલાનો ભય ન્યૂ યૉર્કમાં આગામી નવમી જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી ટી-૨૦ વર્લ્ડ કપની લીગ મૅચ (ભારતીય સમય મુજબ રાત્રે ૦૮.૦૦ વાગ્યાથી લાઇવ) વખતે રહેશે. જોકે એ માટે સલામતીના કડક પગલાં અત્યારથી લેવામાં આવી રહ્યા છે.
vs 
આ મહા મુકાબલો ન્યૂ યૉર્કમાં આઇઝનહોવર પાર્ક સ્ટેડિયમમાં થશે અને એ સ્ટેડિયમમાં કોઈ ‘લોન વૂલ્ફ’ હુમલાખોર ઘૂસી ન જાય એની તકેદારી માટે અત્યારથી કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ સ્ટેડિયમ નૅસો કાઉન્ટી પોલીસ સ્ટેશન હેઠળ આવે છે અને ત્યાંના પોલીસ તેમ જ સલામતી વિભાગે સલામતીની ચુસ્ત વ્યવસ્થા શરૂ કરી દીધી છે.
નૅસો કાઉન્ટીના એક્ઝિક્યૂટિવ બ્રુસ બ્લેકમૅને પત્રકારોને કહ્યું, ‘અમેરિકામાં દરરોજ કોઈને કોઈ સ્ટેટમાં કે કાઉન્ટીમાં કે શહેરમાં ગંભીર હુમલાની ધમકી મળતી હોય છે. અમે દરેક ધમકીને સિરિયસલી લઈને સલામતીના પગલાં ભરીએ છીએ. અમે ભારત અને પાકિસ્તાન મૅચ માટેના આઇઝનહોવર પાર્ક સ્ટેડિયમમાં અને એની આસપાસ સુરક્ષાનો પાક્કો બંદોબસ્ત કર્યો છે. જરૂર પડતાં અમે ફોજમાં પોલીસ અધિકારીઓનો ઉમેરો પણ કરી રહ્યા છીએ. અમે તેમને ખાતરી આપતા કહીએ છીએ કે નૅસો કાઉન્ટીના ઇતિહાસમાં આ પહેલાં ક્યારેય આટલા મોટા પાયે સલામતી વ્યવસ્થા નહોતી કરવામાં આવી. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો અને એ પણ વર્લ્ડ કપની મેગા મૅચ રમાવાની હોય એટલે આટલા વ્યાપક પ્રમાણમાં સુરક્ષાનો બંદોબસ્ત કરવો જ પડે.’
આ મૅચ સંબંધમાં આઇઝનહોવર પાર્ક સ્ટેડિયમમાં પ્રેક્ષકો માટે ઘણા નિયંત્રણો રહેશે. ફક્ત વીઆઇપી ટિકિટધારક માટે જ પાર્કિંગની વ્યવસ્થા રહેશે. બાકીના તમામ પ્રેક્ષકોએ પોતાના વાહન સ્ટેડિયમથી અડધો માઇલ દૂર નૅસો કૉલિઝિયમ નજીક પાર્ક કરવા પડશે.