ચીનના અક્કડ વલણથી સૌ કોઈ વાકેફ છે, પરંતુ તેની જાસૂસી પણ કોઈનાથી છુપાયેલી નથી, એટલા માટે જ ઘણી વખત ભારતે પણ ડેટા લીક મામલે ચીની કંપનીઓ સામે કાર્યવાહી કરી છે. હવે બ્રિટને આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. બ્રિટનની GCHQ ગુપ્તચર એજન્સીના વડાએ ચીનની જાસૂસીને એક ગંભીર પડકાર ગણાવ્યો છે.
અમેરિકા અને પશ્ચિમી દેશો હવે ચીન દ્વારા કરાતી જાસૂસી પ્રત્યે સંવેદનશીલ બની ગયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન પશ્ચિમી દેશોમાં જાસૂસી કરવા અલગ રીત અપનાવે છે જેના લીધે તેની પ્રવૃત્તિઓને પકડી પાડવી અથવા તેનો સામનો કરવો મુશ્કેલી બની રહે છે. ચીની જાસૂસોની પ્રાથમિકતા પણ અલગ છે.
ગુપ્તચર અધિકારીના અંદાજ પ્રમાણે ચીનમાં લગભગ ૬ લાખ લોકો જાસૂસી અને સિક્યોરિટી માટે કામ કરે છે, જે વિશ્વના અન્ય કોઈ પણ દેશ કરતા ઘણા વધારે છે. બ્રિટિશ જાસૂસી સંસ્થા MI૫ કેન મેકકેલમનું કહેવું છે કે એકલા બ્રિટનમાં ૨૦,૦૦૦ થી વધુ લોકોનો લિંક્ડઈન જેવી નેટવર્કિંગ સાઇટ્સ પર ચીની જાસૂસોના સંપર્કમાં આવ્યા હતા. કેન કહે છે કે તેના ગંભીર પરિણામો પણ આવી શકે છે. બ્રિટન, બેલ્જિયમ અને જર્મની જેવા દેશોમાં પણ ચીનના જાસૂસી સક્રિય છે. કેનેડામાં પણ આ મામલે તપાસ ચાલી રહી છે. અમેરિકા અને યુરોપ જેવા દેશોમાં તો ચીનના વિદેશી પોલીસ સ્ટેશન હોવાના પણ દાવા કરાયા છે. રિપોર્ટમાં સુરક્ષા અધિકારીઓને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે ચીનના ગુપ્તચર અધિકારીઓ જમીન પર જાસૂસોનો શારીરિક ઉપયોગ કરવાને બદલે દૂરથી કામ કરે છે.
અનેક અધિકારીઓનું કહેવું છે કે પશ્ચિમી દેશો પણ ચીનની જાસૂસી કરાવે છે, પરંતુ ચીન પર ગુપ્ત માહિતી એકઠી કરવી એ MI૬ અને CIA જેવી પશ્ચિમી ગુપ્તચર સેવાઓ માટે એક પડકારજનક વાત છે. કારણ કે ચીન પશ્ચિમી ટેક્નોલોજીને બદલે પોતાની ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. MI૬ ચીફ સર રિચર્ડ મૂરે કહે છે કે આપણે જે સ્પર્ધાત્મક વિશ્વમાં રહીએ છીએ તેમાં આપણે હંમેશા સંઘર્ષની ચિંતા કરવી જોઈએ અને તેનાથી બચવા માટે આપણે આપણી જાતને તૈયાર કરવી જોઈએ. ટેક્નોલોજીના યુગમાં જાસૂસી એક સામાન્ય બાબત બની ગઈ છે, આ ખૂબ જ ચિંતાજનક છે.