લોકસભા ચૂંટણી ૨૦૨૪ના તમામ સાત તબક્કાઓનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. તેની સાથે જ આ ચૂંટણીના મહાસંગ્રામમાં કોનો વિજય થઇ રહ્યો છે તેને લઈને એક્ઝિટ પોલ ટૂંક સમયમાં જાહેર થશે. ઉલ્લેખનીય છે કે ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન અને વિપક્ષના I.N.D.I.A. ગઠબંધન વચ્ચે મુખ્ય મુકાબલો છે. પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનને ફરી એકવાર સત્તામાં વાપસીનો વિશ્વાસ છે ત્યારે એકજૂટ થઈ ચૂકેલા વિપક્ષના ગઠબંધન I.N.D.I.A. ને પણ આ વખતે મોદી લહેરને પડકારતાં વિજયની આશા છે.
આ વખતે લોકસભા ચૂંટણી ૨૦૨૪માં કુલ ૨૮ રાજ્યો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશોની ૫૪૩ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં ગુજરાતના સુરતની બેઠક બિનહરિફ જાહેર થતાં અહીં ભાજપ જીતી ગયો હતો. એટલે કે હવે ૫૪૨ બેઠકો પર ટૂંક સમયમાં એક્ઝિટ પોલના પરિણામ જાહેર થશે.
સાતમા તબક્કાના મતદાન વચ્ચે આજે દિલ્હીમાં I.N.D.I.A. બ્લોકની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિપક્ષોએ ભાગ લીધો હતો. આ બેઠક બાદ કોંગ્રેસે એક્ઝિટ પોલમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસના નેતા પવન ખેડાએ ટ્વિટ કર્યું કે, પૂર્વ નિર્ધારિત એક્ઝિટ પોલ પર ભાજપ અને તેની સિસ્ટમનો પર્દાફાશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક્ઝિટ પોલમાં ભાગ લેવાના પક્ષ અને વિપક્ષના કારણો પર ચર્ચા કર્યા બાદ સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે કે I.N.D.I.A. ગઠબંધનના તમામ સાથી પક્ષો આજે સાંજે ટેલિવિઝન પર એક્ઝિટ પોલની ચર્ચામાં ભાગ લેશે.’
૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં શરૂઆતથી જ ભાજપની તરફેણમાં માહોલ જોવા મળ્યું અને વિપક્ષ વેરવિખેર લાગી રહ્યું હતું. ૨૦૧૯માં મોટાભાગના એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યું હતું કે ભાજપ અને NDA ૩૦૦ થી વધુ બેઠક મેળવીને જંગી બહુમતી સાથે જીતશે. જ્યારે કોંગ્રેસના નેતૃત્વમાં UPA ગઠબંધનને લગભગ ૧૦૦ બેઠક મળવાની ધારણા હતી. લોકસભા ચૂંટણી ૨૦૧૯ના પરિણામ આવ્યા પછી, એક-બે સિવાયના મોટાભાગના એક્ઝિટ પોલની આગાહી સાચી સાબિત થઈ હતી.
પોલ એજન્સી | ભાજપ+ | કોંગ્રેસ+ | SP-BSP+ | અન્ય |
ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયા | ૩૩૯-૩૬૫ | ૭૭-૧૦૮ | ૧૦-૧૬ | ૫૯-૭૯ |
ટાઈમ્સ નાઉ-VMR | 306 | ૧૩૨ | ૨૦ | ૮૪ |
સી-વોટર | 287 | ૧૨૮ | ૪૦ | ૮૭ |
ABP-નીલસન | ૨૭૭ | ૧૩૦ | ૪૫ | ૯૦ |
ન્યૂઝ ૨૪-ચાણક્ય | ૩૫૦ | ૯૫ | — | ૯૭ |
૨૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં શું પરિણામ આવ્યા હતા
લોકસભા ચૂંટણી ૨૦૧૯માં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપ સતત બીજી વખત પ્રચંડ બહુમતી સાથે સત્તામાં આવ્યું હતું. ભાજપને ૩૦૩ બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને ૫૨, DMK અને TMC ૨૪-૨૪, YSRCP ૨૨, શિવસેનાને ૧૮, JDU ૧૬, BJD ૧૨, BSP ૧૦, TRS (હવે BRS) ૧૦, LJP ૬, SP અને NCP ૫-૫ તથા અન્યને ૩૯ બેઠકો મળી હતી.
૯૬.૮૮ કરોડ મતદારોએ મતાધિકારનો કર્યો પ્રયોગ
આ વખતની ચૂંટણીમાં દેશમાં કુલ ૯૬.૮૮ કરોડ મતદારો રજિસ્ટર્ડ થયા હતા, જેમાં પુરુષ મતદારો ૪૯.૭૨ કરોડ, મહિલા મતદારો ૪૭.૧૫ કરોડ, થર્ડ જેન્ડર ૪૮૦૪૪, ૧૮ વર્ષથી ઓછી વયના મતદારો ૧.૮૪ કરોડ, ૨૦ થી ૨૯ ઓછી વયના મતદારો ૧૯.૭૪ કરોડ, વિકલાંગ મતદારો ૮૮.૩૫ લાખ, ૮૦થી વધુ વયના મતદારો ૧.૮૫ કરોડ, ૧૦૦થી વધુ વયના ૨.૩૮ લાખ મતદારો રજિસ્ટર્ડ થયા હતા.
ભારતમાં ક્યારે થઈ શરૂઆત ?
એક્ઝિટ પોલ અને ભારતના સંબંધની વાત છે તો સ્વતંત્રતા પછીની બીજી સામાન્ય ચૂંટણી દરમિયાન ૧૯૫૭માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક ઓપિનિયન દ્વારા હાથ ધરવામાં આવેલો પહેલો સર્વે તેના વડા એરિક ડી’કોસ્ટા દ્વારા કરવામાં આવ્યો હતો. જોકે તે સમયે તેને એક્ઝિટ પોલ ગણવામાં આવ્યો ન હતો. ત્યારબાદ વર્ષ ૧૯૮૦ અને ૧૯૮૪માં ડો. પ્રણય રોયના નેતૃત્વમાં એક સર્વે કરવામાં આવ્યો હતો. સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ (CSDS) દ્વારા ભારતમાં ૧૯૯૬માં એક્ઝિટ પોલની ઔપચારિક શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ પત્રકાર નલિની સિંહે દૂરદર્શન માટે એક્ઝિટ પોલ કરાવ્યો હતો, જેના માટે CSDSએ ડેટા એકત્ર કર્યો હતો. આ પોલમાં કહેવામાં આવ્યું હતું કે ભાજપ લોકસભા ચૂંટણી જીતશે અને ખરેખર એવું જ થયું. જોકે તેની અસર ચૂંટણી પરિણામો પર પણ પડી હતી. આ પછી દેશમાં એક્ઝિટ પોલનો ટ્રેન્ડ વધ્યો અને વર્ષ ૧૯૯૮માં એક ખાનગી ન્યૂઝ ચેનલે પ્રથમ વખત એક્ઝિટ પોલનું પ્રસારણ કર્યું હતું.