લોકસભા ચૂંટણી પરિણામ ૨૦૨૪ દરમિયાન ઇન્દોરમાં નોટા મતનો નવો રેકોર્ડ બન્યો છે. જાણો કોંગ્રેસે ઈન્દોર બેઠકના મતદારોને નોટા ને મત આપવા અપીલ કેમ કરી હતી.
લોકસભા ચૂંટણી પરિણામ ૨૦૨૪માં ઘણા નવા રેકોર્ડ બનવાનું શરૂ થઇ ગયું છે. એક્ઝિટ પોલમાં એનડીએ બહુમતી સાથે ફરી સત્તામાં આવવાની ભવિષ્યવાણી હતી. જો કે ઘણી લોકસભા બેઠકો પર એક્ઝિટ પોલ ખોટા પડતા દેખાય છે. આ વખતે ભાજપના ગઢ ગણાતા મધ્યપ્રદેશની ઈન્દોર લોકસભા બેઠક પર ભાજપ ભલે આગળ હોય પરંતુ કોંગ્રેસની અપીલે કમાલ કર્યો છે. ઈન્દોર લોકસભા બેઠક પર અત્યાર સુધીમાં સૌથી વધુ નોટા વિકલ્પ પર મતદાન થયું છે.
ઈન્દોર લોકસભા બેઠક પર રેકોર્ડ બ્રેક નોટા વોટ પડ્યા છે. કોંગ્રેસે ઈન્દોર બેઠકના મતદારોને અપીલ કરી હતી કે તેઓ નોટાને મત આપે એટલે કે ઇવીએમ મશિન પર કોઈ પણ ઉમેદવાર પસંદ નથી તેવા વિકલ્પ પર મતદાન કરે. મધ્યપ્રદેશની ઇન્દોર લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર શંકર લાલવાણીને ૧૨૨૬૭૫૧ મત મળ્યા છે અને હાલ ૧૦૦૮૦૭૭ મતોની લીડ સાથે આગળ ચાલી રહ્યા છે. જો કે બીજી બાજુ ઇન્દોર લોકસભા બેઠક પર ઇવીએમ મશિનમાં નોટાને ૨૧૮૩૫૫ મત મળ્યા છે, જે કૂલ મતદાનના ૧૪ % અને દેશમાં લોકસભા ચૂંટણીની અત્યાર સુધીનો રેકોર્ડ બ્રેક નોટા વોટિંગ છે.
કોંગ્રેસે ઇન્દોરના મતદારોને નોટ મત આપવા અપીલ કરી હતી. સમગ્ર ઘટનાક્રમની વાત કરીયે તો મતદારોની સંખ્યાની દ્રષ્ટિએ મધ્ય પ્રદેશની સૌથી મોટી લોકસભા બેઠક ઇન્દોરથી કોંગ્રેસના અક્ષય ક્રાંતિ ઉમેદવારી નોંધાવી હતી. અક્ષય ક્રાંતિ પ્રથમવાર ચૂંટણી લડી રહ્યા હતા, પરંતુ ત્યારબાદ તેમણે પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચી લીધું હતું. એટલું જ નહીં, અક્ષય ક્રાંતિ એ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાઇ ગયા હતા. કોંગ્રેસે અક્ષય ક્રાંતિને લોકસભા ચૂંટણી મેદાનમાં એવા સમયે ઉતાર્યા હતા જ્યારે ઈન્દોરમાં પાર્ટીના ત્રણ પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. આ ઘટના બાદ કોંગ્રેસે ઈન્દોર લોકસભા બેઠકના મતદારોને નોટા પર મતદાન કરવાની અપીલ કરી હતી. આમ કોંગ્રેસની અપીલે NOTA વોટના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે.