એકનાથ શિંદેની આગેવાનીવાળી શિવસેનાનું સ્પષ્ટ કહેવું છે કે તેના સાત સાંસદો જીત્યા છે તેમ છતાં તેમને એક પણ કેબિનેટ મંત્રાલય મળ્યું નથી.
નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. તેમની સાથે ૭૨ મંત્રીઓએ પણ શપથ લીધા છે. પરંતુ પહેલેથી જ એનડીએની ઘણી પાર્ટીઓ નારાજ હોવાનું કહેવાય છે. એનસીપીની સાથે શિવસેનાએ (એકનાથ શિંદે જૂથ) પણ પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. શિવસેનાનું સ્પષ્ટ કહેવું છે કે તેના સાત સાંસદો જીત્યા છે તેમ છતાં તેમને એક પણ કેબિનેટ મંત્રાલય મળ્યું નથી.
નારાજગીનું કારણ શું છે?
પાર્ટીના ચીફ વ્હીપ શ્રીરંગ બારણેનું સ્પષ્ટ કહેવું છે કે ચિરાગ પાસવાન, જેડીએસ અને માંઝીને કેબિનેટ મંત્રાલય આપવામાં આવ્યા છે, પરંતુ સાત સાંસદ આપનાર શિવસેનાને એક પણ આપવામાં આવ્યું નથી. સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના પ્રધાનનું પદ આપવાનો શું અર્થ છે? એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે જ્યારે ચૂંટણીમાં શિવસેનાનો સ્ટ્રાઇક રેટ ઉત્તમ રહ્યો છે ત્યારે એ અર્થમાં મંત્રાલય પણ આપવું જોઈએ.
બારણેએ શિવસેનાની સાથે એનસીપી વિશે પણ નિવેદન આપ્યું હતું. તેમનું માનવું હતું કે પરિવારની વિરુદ્ધ જઈને મહાગઠબંધનમાં સામેલ થયેલા અજિત પવારને પણ મંત્રાલય આપવું જોઈતું હતું.
ગઠબંધનનો પડકાર મોટો છે
હાલ તો પહાડની જેમ પીએમ મોદી માટે અનેક પડકારો છે. એક તરફ તેમને પોતાનો ૧૦૦ દિવસનો રોડમેપ સાકાર કરવાનો છે. તો બીજી તરફ તેમને ઘણા ગઠબંધન સહયોગીઓની ઈચ્છા પણ પૂરી કરવી પડશે. દરેકને કેવી રીતે સંતુષ્ટ રાખવા, યોગ્ય જગ્યા આપવી, તે ચર્ચાનો વિષય છે. આ વખતે પીએમ મોદીએ પોતાના મંત્રીમંડળમાં જાતિગત સમીકરણનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે.
મંત્રીમંડળનું જ્ઞાતિગત સમીકરણ
મોદી ૩.o કેબિનેટમાં કુલ ૩૦ કેબિનેટ મંત્રી, પાંચ સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રી અને ૩૬ રાજ્ય મંત્રી છે. આ તમામ મંત્રીઓ દ્વારા ૨૪ રાજ્યોની સાથે તમામ પ્રદેશોના પ્રતિનિધિત્વને આવરી લેવામાં આવે તેની કાળજી લેવામાં આવી છે. જો આંકડાઓની વાત કરીએ તો પીએમ મોદીના નવા મંત્રીમંડળમાં ૨૧ સવર્ણ, ૨૭ ઓબીસી, ૧૦ એસસી, ૫ એસટી, ૫ લઘુમતી સમાજના મંત્રી રાખવામાં આવ્યા છે.
આ વખતે ભાજપને પોતાના દમ પર બહુમતી મળી નથી એટલે જ એનડીએના ૧૧ સાથી પક્ષોને પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ૬ પૂર્વ મુખ્યમંત્રીઓ અને ૨૩ રાજ્યોના મંત્રીઓને પણ મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે.