બાબર આઝમની કેપ્ટનશિપમાં પાકિસ્તાનની ટીમનો પોતાની પ્રથમ બે મેચમાં પરાજય થયો છે. આ કારણે હવે આ ટીમની સુપર ૮ માં પહોંચવાની સંભાવના પર પણ સવાલ ઉભા થયા છે.

બાબર આઝમની કેપ્ટનશિપમાં પાકિસ્તાનની ટીમનો પોતાની પ્રથમ બે મેચમાં પરાજય થયો છે. આ કારણે હવે આ ટીમની સુપર ૮ માં પહોંચવાની સંભાવના પર પણ સવાલ ઉભા થયા છે. પાકિસ્તાનની ટીમને પ્રથમ મેચમાં યુએસએએ હરાવ્યું હતું, જ્યારે બીજી મેચમાં ભારત સામે ૬ રનથી પરાજય થયો હતો. આ સતત બે પરાજય બાદ હવે પરિસ્થિતિ એ છે કે પાકિસ્તાનની ટીમ ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર ના થઇ જાય. બીજી તરફ ભારતીય ટીમ પોતાની પહેલી બે મેચ જીતીને ગ્રુપ-એ ના પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર પહોંચી ગઇ છે.
પાકિસ્તાનને હરાવીને ભારત ટોચ પર પહોંચ્યું
રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારતે અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે અને પ્રથમ મેચમાં આયર્લેન્ડને હરાવ્યા બાદ ટીમે પાકિસ્તાન સામે પણ વિજય મેળવ્યો હતો. આ બંને જીત બાદ ભારતના ૪ પોઈન્ટ છે અને ટીમ ઈન્ડિયા ગ્રુપ-એ માં ટોપ પર પહોંચી ગઈ છે. જોકે યજમાન અમેરિકાના પણ ૪ પોઇન્ટ છે. રનરેટના આધારે ભારત આ ટીમથી આગળ નીકળી ગયું છે. ગ્રૂપ-એ માં કેનેડા બેમાંથી એક મેચ જીતીને ૨ પોઇન્ટ સાથે ત્રીજા નંબર પર છે, જ્યારે પાકિસ્તાનની ટીમ પોતાની બંને મેચ હાર્યા બાદ શૂન્ય પોઇન્ટ સાથે ચોથા સ્થાને છે. આયર્લેન્ડ પણ શૂન્ય પોઇન્ટ સાથે પાંચમા સ્થાને છે.
સુપર ૮ માં પહોંચવું પાકિસ્તાન માટે મુશ્કેલ
સતત બે હાર બાદ પાકિસ્તાન માટે સુપર ૮ સુધી પહોંચવું પણ મુશ્કેલ બની ગયું છે. પાકિસ્તાનને હવે આયર્લેન્ડ અને કેનેડા સામે બે મેચ રમવાની છે. આ બંને મેચ જીતી જાય તો પણ પાકિસ્તાનને ૪ પોઇન્ટ થાય છે. બીજી તરફ યુએસએના હાલ ૪ પોઇન્ટ છે અને તેને બે મેચ પણ રમવાની છે. તેને ભારત સામે એક મેચ રમવાની છે જ્યારે એક મેચ આયર્લેન્ડ સામે રમવાની છે. જો તે આ બેમાંથી એક પણ મેચ જીતશે તો તે ૬ પોઇન્ટ મેળવશે અને તે સુપર ૮ માં પહોંચી જશે.
ભારત સાથે પણ આવી જ સ્થિતિ છે. ભારતે તેની આગામી બે મેચ અમેરિકા અને કેનેડા સામે રમવાની છે અને જો ભારત તેમાંથી એકમાં પણ વિજય મેળવશે તો તે સુપર 8માં પહોંચી જશે.
પાકિસ્તાન માટે આ રીતે એક તક છે
જોકે પાકિસ્તાન માટે એક તક છે. જો પાકિસ્તાન કેનેડા અને આયર્લેન્ડ સામેની તેની આગામી બંને મેચમાં મોટા અંતરથી વિજય મેળવે અને યુએસએ તેની આગામી બંને મેચ હારે તો બંને ટીમોના ૪-૪ પોઇન્ટ થશે અને પાકિસ્તાન વધુ સારા રનરેટના આધારે સુપર ૮ માં પહોંચી શકે છે.