સામાન્ય લોકો માટે સોનાના ભાવ હંમેશાં ચિંતાનો વિષય રહ્યો છે, ખાસ કરીને ત્યારે જ્યારે સંતાનોના લગ્નની વાત આવે ત્યારે સોનું ખરીદવાનું બજેટ તો હોય છે, પણ ભાવની વધઘટને કારણે બજેટમાં અપેક્ષા મુજબનું સોનું મળી શકતું નથી. આ ઉપરાંત ઘણા લોકો ફિઝિકલ ગોલ્ડમાં રોકાણ કરે છે. તેમના માટે આ સોનું ઘરમાં સાચવવું એ પણ એક ચિંતાનો વિષય છે.
પરંતુ આ બધી ચિંતાઓનો એક ઉકેલ છે ડિજિટલ ગોલ્ડ. ટેકનોલોજી અને ઇન્વેસ્ટમેન્ટ માટેના નવા રસ્તાઓ શોધાઈ રહ્યા છે, એમાં જ ડિજિટલ ગોલ્ડનો વિચાર જનમ્યો હતો. ભારતમાં આનું ચલણ છેલ્લાં ત્રણ વર્ષથી શરૂ થયું છે. સૌથી મોટી વાત એ છે કે ડિજિટલી માત્ર રૂ. 1નું સોનું પણ ખરીદી શકાય છે, એટલે કે સોનાનો ભાવ જે કઈ પણ હોય, ગ્રાહક તેની ક્ષમતા મુજબ સોનું ખરીદી શકે છે. આ ઉપરાંત તેને સાચવવાની પણ કોઈ ચિંતા રહેતી નથી. આ સોનું જે-તે કંપની પોતાની પાસે અત્યંત ટાઈટ સિક્યોરિટીમાં રાખે છે.
શું છે ડિજિટલ ગોલ્ડ?
ડિજિટલ ગોલ્ડ એટલે કોઈ વ્યક્તિ ઓનલાઈન સોનું ખરીદે છે ત્યારે બુલિયન કંપનીઓ અને રિફાઇનરી એટલી કિંમતનું ફિઝિકલ સોનું તમારા નામથી તેના લોકરમાં રાખે છે. એના બદલામાં ગ્રાહકને એક પર્ચેઝ રિસીપ્ટ મળે છે. આ રીતે તમારા ડિજિટલ વૉલેટમાં સોનું આવે છે. એનું ખરીદ અને વેચાણ પણ થઈ શકે છે અને એ રિસીપ્ટને ફિઝિકલ ગોલ્ડના સ્વરૂપમાં પણ મેળવી શકાય છે.
ક્યાંથી ખરીદી શકાય?
MMTC-PAMP ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તેમજ અન્ય બુલિયન ટ્રેડિંગ કંપનીઓ ડિજિટલ ગોલ્ડની સગવડતા આપે છે. આ સોનું પેટીએમ, ગૂગલ પે, મોતીલાલ ઓસવાલ, HDFC સિક્યોરિટીઝ, ફોન પે પરથી ઓનલાઈન ડિજિટલ ગોલ્ડની ખરીદી કરી શકાય છે. ઇન્ડસ્ટ્રી સાથે સંકડાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે, છેલ્લાં 3 વર્ષમાં 7-8 કરોડ લોકોએ ડિજિટલ ગોલ્ડ ખરીદ્યું છે. બ્રોકરોના જણાવ્યા પ્રમાણે, આ સમયગાળામાં અંદાજે 8000-9000 કિલો ડિજિટલ ગોલ્ડના વેચાણનો અંદાજ છે.
ડિજિટલ ગોલ્ડના ફાયદા
પેટીએમ મનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વરુણ શ્રીધરે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે મધ્યમવર્ગીય પરિવારો માટે સોનાના ભાવની વધઘટ સૌથી મોટો ચિંતાનો વિષય છે. આ સાથે જ ઘરમાં સોનું રાખવું પડે ત્યારે ચોરી થઈ જવાનો ડર પણ રહે છે. બીજી તરફ, ડિજિટલ ગોલ્ડની ખરીદીમાં આવા કોઈ પ્રશ્નો રહેતા નથી અને શુદ્ધતાની પણ પૂરી ખાતરી રહે છે. તમે ધારો તો 1 રૂપિયાનું સોનું પણ ખરીદી શકો છો. અમારા પ્લેટફોર્મ પર ઘણા એવા લોકો છે જે દૈનિક રૂ. 25-50 કે રૂ. 100નું સોનું પણ ખરીદે છે.
પેટીએમ મની દાવો કરે છે કે તે ડિજિટલ ગોલ્ડમાં ભારતનું સૌથી મોટું પ્લેટફોર્મ છે અને ભારત સરકારની કંપની MMTC-PAMP ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સાથે મળીને કામ કરે છે. વીતેલા 30 મહિનામાં કંપનીએ ડિજિટલ ગોલ્ડ સેગમેન્ટમાં 6.5 કરોડ ગ્રાહકો બનાવ્યા છે અને 6000 કિલોથી વધુનું ડિજિટલ ગોલ્ડ વેચ્યું છે.
ભારતમાં ડિજિટલ ગોલ્ડનું વધતું ચલણ
મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસીઝમાં કોમોડિટી અને કરન્સીના હેડ કિશોર નારનેએ જણાવ્યું હતું કે સોનાની ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતાં ડિજિટલ ગોલ્ડ ઘણું ઉપયોગી સાબિત થઈ શકે છે અને આ જ કારોણોસર ભારતમાં એનું ચલણ વધી રહ્યું છે. વીતેલા અમુક વર્ષોમાં એમાં સરેરાશ 25-30% જેવો વધારો જોવા મળ્યો છે.