વિશ્વ બાળ મજૂર નિષેધ દિવસ એટલે કે વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ દર વર્ષે ૧૨ જૂને ઉજવવામાં આવે છે.

વિશ્વ બાળ મજૂર નિષેધ દિવસ એટલે કે વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ દર વર્ષે ૧૨ જૂને ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (આઇએલઓ)એ વૈશ્વિક સ્તરે બાળમજૂરીના પ્રમાણને ઓળખવા અને તેને નાબૂદ કરવા માટે જરૂરી પગલાં અને પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વર્ષ ૨૦૦૨ માં બાળ મજૂરી સામે વિશ્વ દિવસનો પ્રારંભ કર્યો હતો.
દર વર્ષે ૧૨ મી જૂને સરકારો, કર્મચારીઓ અને કામદારોની સંસ્થાઓ, નાગરિક સમાજ તેમજ વિશ્વભરના લાખો લોકોને એક સાથે લાવે છે અને એ પ્રયાસ કરવામાં આવે છે કે બાળમજૂરો સમસ્યાથી મુક્તિ મેળવવા માટે શું કરી શકાય છે.
વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ ઇતિહાસ
૧૯૭૩ માં ઇન્ટરનેશનલ લેબર યુનિયને તેની ૧૩૮મી કોન્ફરન્સમાં લોકોનું ધ્યાન લઘુત્તમ વય પર કેન્દ્રિત કર્યું હતું. જેનો હેતુ સભ્ય દેશોને રોજગારની લઘુત્તમ વય વધારવા અને બાળ મજૂરીને દૂર કરવાનો હતો. ૨૯ વર્ષ પછી ૨૦૦૨માં આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO) એ બાળ મજૂરી રોકવાનો મુદ્દો વિશ્વના મંચ પર મૂક્યો હતો. વર્ષ ૨૦૦૨માં તમામ દેશો દ્વારા સર્વસંમતિથી એક કાયદો પસાર કરવામાં આવ્યો હતો, જે હેઠળ ૧૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મજૂરી તરીકે કામ પર રાખવાને ગુનો જાહેર કરવામાં આવ્યો હતો.
હાલમાં આ લેબર યુનિયનના લગભગ ૧૮૭ સભ્ય દેશો સામેલ છે. બાળ મજૂરીના નિયંત્રણને રાષ્ટ્રીય મુદ્દો માનતા આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનને આશા છે કે આવનારા દિવસોમાં વધુ દેશો આ અભિયાનમાં જોડાશે.
આ વર્ષે શું છે થીમ
દર વર્ષે એક થીમ નક્કી કરવામાં આવે છે. ૨૦૨૪ માં આ વખતની થીમ “ચાલો આપણી પ્રતિબદ્ધતાઓ પર કાર્ય કરીએ: બાળ મજૂરીનો અંત”. જે બાળ મજૂરીને નાબૂદ કરવા અને બાળકોને શોષણથી બચાવવા માટે સામૂહિક પગલાંની જરૂરિયાત પર ભાર મૂકે છે. તે સરકારો, નોકરીદાતાઓ, કામદારો, નાગરિક સમાજ અને વ્યક્તિઓને બાળ મજૂરીથી મુક્ત વિશ્વ બનાવવા માટે સાથે મળીને કામ કરવા પ્રોત્સાહિત કરે છે.
આઈએલઓના જણાવ્યા અનુસાર ૨૦૧૭ માં ભારતમાં ૭ થી ૧૭ વર્ષની વયના લગભગ ૧.૩ કરોડ બાળકો કામ કરે છે. જ્યારે બાળકો કામ કરે છે અથવા અવેતન કામ કરે છે ત્યારે તેમની શાળાએ જવાની કે અભ્યાસ પૂરો કરવાની સંભાવના ઓછી હોય છે. આવામાં તે વધુ ગરીબીમાં ફસાય છે.
ભારતમાં આજે પણ લાખોની સંખ્યામાં છોકરીઓ અને છોકરાઓ ખાણ-કારખાનાંમાં કામ કરવા જાય છે અથવા તો સિગારેટ વગેરે રસ્તા પર વેચતા હોય છે. આમાંના મોટાભાગના બાળકોની ઉંમર ૧૨ થી ૧૭ વર્ષની વચ્ચે છે અને તેઓ તેમના પરિવારની જરૂરિયાતોને પહોંચી વળવા માટે દરરોજ ૧૬ કલાક સુધી કામ કરે છે. ચોંકાવનારા આંકડા દર્શાવે છે કે ભારતમાં ૫ થી ૧૪ વર્ષની વયના બાળકો પણ બાળ મજૂરીના વિષચક્રમાં ફસાયેલા છે.
ભારત સરકારે લીધા છે પગલાં
બાળ મજૂરીની સમસ્યા ભારતમાં દાયકાઓથી પ્રચલિત છે. ભારત સરકારે બાળ મજૂરીની સમસ્યાને સમાપ્ત કરવા માટે પગલાં લીધાં છે. ભારતીય બંધારણની કલમ ૨૩ જોખમી ઉદ્યોગોમાં બાળકોને મજૂરી માટે રાખવા પર પ્રતિબંધ મૂકાયો છે. ભારતની કેન્દ્ર સરકારે ૧૯૮૬ માં બાળ મજૂરી નિષેધ અને નિયમન કાયદો પસાર કર્યો હતો.
આ અધિનિયમ મુજબ, બાળ મજૂર તકનીકી સલાહકાર સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. આ સમિતિની ભલામણ મુજબ જોખમી ઉદ્યોગોમાં બાળકોને રોજગાર આપવા પર પ્રતિબંધ છે. ૧૯૮૭ માં રાષ્ટ્રીય બાળ મજૂરી નીતિ ઘડવામાં આવી હતી. બાળ મજૂરી એ માનવ અધિકારોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. તે બાળકોના માનસિક, શારીરિક, આધ્યાત્મિક, બૌદ્ધિક અને સામાજિક હિતોને અસર કરે છે.