રાહુલ ગાંધીએ જો આ કામ ન કર્યું તો રાયબરેલી-વાયનાડ બંને બેઠકો હાથમાંથી જશે.
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડ લોકસભા બેઠક પરથી જીતી ગયા બાદ તેમણે આ બંને બેઠકોમાંથી કોઈ એકની પસંદગી કરવાની છે. તેમણે આ નિર્ણય માત્ર એક દિવસની અંદર લેવાનો છે. જો તેઓ આવતીકાલ સુધીમાં નિર્ણય નહીં લે તો બંને બેઠકો હાથમાંથી સરકી જવાની સંભાવના છે. રાહુલ રાયબરેલીમાં ૩.૯૦ લાખ અને વાયનાડમાંથી ૩.૬૪ લાખ મતોથી જીત્યા હતા.
બંધારણના નિયમો મુજબ રાહુલ ગાંધી એ રાયબરેલી અથવા વાયનાડમાંથી કોઈ એક બેઠકની વહેલીતકે પસંદગી કરવી પડશે. ચૂંટણી પરિણામો આવ્યા બાદ ૧૪ દિવસની અંદર બેમાંથી એક બેઠક છોડવાનો નિયમ છે. જો ૧૪ દિવસમાં એક બેઠક પરથી રાજીનામું ન અપાય તો બંને બેઠકો ખાલી માનવામાં આવશે. એટલે કે રાહુલ ગાંધીએ ૧૮ જૂન સુધીમાં એક બેઠક પરથી રાજીનામું આપવું પડશે. નિયમ મુજબ કોઈપણ સભ્યએ લોકસભા અધ્યક્ષને લેખિતમાં રાજીનામું આપવાનું હોય છે. ત્યારબાદ રાજીનામું આપ્યાના છ મહિનાની અંદર તે બેઠક પર પેટા-ચૂંટણી કરાવવાની જોગવાઈ છે.
ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વાયનાડની મુલાકાત લઈ જનતાનો આભાર માન્યો છે અને તેમણે એવું પણ પૂછ્યું છે કે, હું ક્યાંથી સાંસદ રહ્યું? તેમણે કહ્યું હતું કે, કઈ બેઠક છોડવી તે અંગે હું મૂંઝવણમાં છું. તેમણે એમ પણ કહી નાખ્યું કે, હું વચન આપું છું કે વાયનાડ અને રાયબરેલી બંને મારા નિર્ણયથી ખુશ થશે. તમારા બધા સમર્થન બદલ આભાર અને ટૂંક સમયમાં તમને મળવા પાછો આવીશ.
અગાઉ ઈન્દિરા અને સોનિયા પણ બે બેઠકો પર જીત્યા હતા
નહેરુ-ગાંધી પરિવારમાંથી આવતા કોંગ્રેસી નેતા બે બેઠકો પરથી ચૂંટણી જીત્યા હોય, તેવું પહેલીવાર બન્યું નથી. આવું પહેલા પણ થઈ ચુક્યું છે. ઈન્દિરા ગાંધીથી લઈને સોનિયા ગાંધી સુધી, બંને બે બેઠકો પર ચૂંટણી જીત્યા છે. ખાસ વાત એ છે કે, જેમ રાહુલ દક્ષિણ ભારતની એક અને ઉત્તર ભારતની એક બેઠક પરથી ચૂંટણી જીત્યા છે, તેવી રીતે અગાઉ ઈન્દિરા અને સોનિયા પણ જીત્યા હતા. જોકે હાલ રાહુલની વાયનાડ-રાયબરેલીની અટકળો વચ્ચે એવી ચર્ચાઓ થઈ રહી છે કે, નેહરુ-ગાંધી પરિવારના કોઈ નેતાએ બે બેઠકો પર ચૂંટણી જીત્યા બાદ ઉત્તર અથવા દક્ષિણ, બેમાંથી કોની પસંદગી કરી છે? તેઓએ કંઈ બેઠક પોતાની પાસે રાખી છે અને કંઈ બેઠક છોડી દીધી છે?
‘ઈન્દિરા ગાંધી જ્યારે બે બેઠકો પરથી ચૂંટણી જીત્યા હતા ત્યારે…’
૨૫ જૂન ૧૯૭૫ થી ૨૧ માર્ચ ૧૯૭૭ સુધીના ૨૧ મહિનાના સમયગાળા માટે ભારતમાં કટોકટી જાહેર કરવામાં આવી હતી. આ દરમિયાન ૧૯૯૭માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીએ રાયરબરેલીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ તેમણે ૧૯૮૦માં બે બેઠકો રાયબરેલી અને આંધ્રપ્રદેશની મેંડક માંથી લોકસભા ચૂંટણી લડી હતી અને બંને પર વિજય મેળવ્યો હતો. જીત બાદ બંને પરંપરાગત બેઠકોમાંથી એક બેઠક પસંદ કરવાની વાત આવી, તો તેમણે મેંડકની પસંદગી કરી હતી. ઈન્દિરાએ રાયબરેલી બેઠક પરથી લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું.
સોનિયાએ બે બેઠકો જીત્યા બાદ કંઈ પસંદ કરી?
ઈન્દિરા ગાંધીની જેમ સોનિયા ગાંધીએ 1999માં બે લોકસભા બેઠકો પર ચૂંટણી લડી હતી, જેમાં તેમનો ઉત્તર પ્રદેશની અમેઠી અને કર્ણાટકની બેલ્લારી બેઠક, બંનેમાં જીત થઈ હતી. જ્યારે કોઈ એક બેઠક પરથી રાજીનામું આપવાની નોબત આવી તો તેમણે અમેઠીની પસંદગી કરી હતી. તેમણે અમેઠીની બેઠક રાખી અને બેલ્લારી બેઠક પરથી લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. તેમના આ નિર્ણય પાછળ જીતના અંતરનું કારણ કહેવાયું હતું. તે વખતે એવો તર્ક અપાયો કે, અમેઠીમાં જીતનું અંતર બેલ્લારી કરતા વધુ હતું.
માતા કે દાદી, કયા ફૉર્મ્યૂલાનો ઉપયોગ કરશે રાહુલ?
હવે રાહુલ ગાંધી માતા સોનિયા ગાંધી અને દાદી ઈન્દિરા ગાંધીની જેમ બે બેઠકો એક ઉત્તર અને એક દક્ષિણમાંથી ચૂંટણી જીત્યા છે. આવી સ્થિતિમાં તેઓ કયા ફૉર્મ્યૂલાનો ઉપયોગ કરશે? ઈન્દિરા ગાંધીએ રાયબરેલી જેવી સુરક્ષિત બેઠકની પસંદગી કરી, તો સોનિયા ગાંધીએ મોટી જીતના અંતરનું માન રાખી અમેઠીની પસંદગી કરી હતી. ઈન્દિરા ગાંધી વખતે ગણિત જુદું હતું, તે વખતે કોંગ્રેસમાં સત્તામાં આવી હતી. જ્યારે સોનિયા ગાંધી બંને બેઠકો પર જીત્યા તો હતા, પરંતુ તેમણે સત્તા ગુમાવવાના વારો આવ્યો અને કેન્દ્રમાં ભાજપે સરકાર બનાવી. લોકસભા ચૂંટણી-૨૦૨૪ માં પણ આવું જ થયું છે. કેન્દ્રની સાથે ઉત્તર પ્રદેશમાં પણ ભાજપની સરકાર છે.
‘રાહુલ ગાંધી રાયબરેલીની બેઠક છોડશે તો…’
રાજકીય વિશ્લેષકોના મત મુજબ, રાહુલ ગાંધી સોનિયા ગાંધીના ફોર્મ્યુલાનો ઉપયોગ કરશે. વર્તમાન સ્થિતિ મુજબ કોંગ્રેસ ઉત્તર કરતાં દક્ષિણમાં સારી સ્થિતિમાં છે. રાહુલ અને કોંગ્રેસ નેતૃત્વ પણ ઉત્તર પ્રદેશ અને હિન્દી બેલ્ટના રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વિચારશે. આવી સ્થિતિમાં જો તેઓ રાયબરેલી છોડવાનો નિર્ણય લેશે, તો નકારાત્મક સંદેશ જવાનો ડર છે. અન્ય પરિબળોમાં પેટાચૂંટણીનો ટ્રેન્ડ અને નંબર ગેમ છે. રાયબરેલીમાં પેટાચૂંટણીમાં કોંગ્રેસનો મુકાબલો સત્તાધારી ભાજપ સાથે થશે, જ્યારે કેરળમાં ડાબેરીઓ સાથે… બંનેમાં કોંગ્રેસ જીતે કે ડાબેરીઓ જીતે, ઈન્ડિયા ગઠબંધનની બેઠકોની સંખ્યા પર કોઈ અસર પડશે નહીં.