રાહુલ ગાંધીએ કહ્યું – પેપર લીક થવાનું કારણ એ છે કે શિક્ષણ વ્યવસ્થા પર ભાજપના મૂળ સંગઠને કબજો કરી લીધો છે. જ્યાં સુધી આમાં ફેરફાર નહીં થાય ત્યાં સુધી પેપર લીક થતા રહેશે.
નીટ અને યુજીસી નેટની પરીક્ષાને લઈને રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર મોટો હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે એવું કહેવામાં આવી રહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ યુક્રેનમાં યુદ્ધ અટકાવ્યું હતું. ઈઝરાયેલ અને ગાઝા વચ્ચેની લડાઇ પણ નરેન્દ્ર મોદીએ રોકી દીધી હતી. પરંતુ કોઈને કોઈ કારણસર હિન્દુસ્તાનમાં જે પેપર લીક થઇ રહ્યા છે તે નરેન્દ્ર મોદી અટકાવી શકતા નથી કે તેમને રોકવા માંગતા નથી.
શિક્ષણ વ્યવસ્થા પર ભાજપના મૂળ સંગઠનનો કબજો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પેપર લીક થવાનું કારણ એ છે કે શિક્ષણ વ્યવસ્થા પર ભાજપના મૂળ સંગઠને કબજો કરી લીધો છે. જ્યાં સુધી આમાં ફેરફાર નહીં થાય ત્યાં સુધી પેપર લીક થતા રહેશે. મોદીજીએ આ કબજાને સરળ બનાવ્યો છે. આ એક એન્ટી નેશનલ એક્ટિવિટી છે.
રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન હજારો લોકોએ પેપર લીકની ફરિયાદ કરી હતી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે જ્યાં સુધી આરએસએસ-ભાજપ શૈક્ષણિક સંસ્થાઓ પરની તેની પકડ દૂર નહીં કરે ત્યાં સુધી પેપર લીક થવાનું બંધ નહીં થાય.
નીટ કેસ મધ્ય પ્રદેશમાં વ્યાપમ કેસનું વિસ્તૃત રુપ છે
તેમણે કહ્યું કે શૈક્ષણિક સંસ્થાઓ આરએસએસ-ભાજપના નિયંત્રણમાં છે અને જ્યાં સુધી તેમાં ફેરફાર નહીં થાય ત્યાં સુધી પેપર લીક અટકશે નહીં. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે નીટ કેસ મધ્ય પ્રદેશમાં વ્યાપમ કેસનું વિસ્તૃત રુપ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે શિક્ષા વ્યવસ્થાનું ડિમોનેટાઇઝેશન થઇ ગયું છે. નિષ્પક્ષ શિક્ષા વ્યવસ્થા ધ્વસ્ત થઇ ગઇ છે. અમે સંસદમાં આ મુદ્દાને ઉઠાવીશું.
કોંગ્રેસના સાંસદે કહ્યું કે પેપર લીકના મામલામાં આ સરકારની કોઈ વિશ્વસનીયતા નથી. જો તેઓ ક્લીન ચિટ આપે તો તેનો કોઈ અર્થ નથી, તેમની વિશ્વસનીયતા શૂન્ય છે. સૌ જાણે છે કે તેનું કેન્દ્ર મધ્ય પ્રદેશ, ગુજરાત અને ઉત્તર પ્રદેશ છે. તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ વ્યવસ્થા એક સંસ્થાએ પોતાના હસ્તક લીધી છે. તેઓએ દરેક પોસ્ટમાં તેમના લોકોને મૂક્યા છે. તેને બદલવું પડશે.
તેમણે કહ્યું કે અમે મેનિફેસ્ટોમાં સ્પષ્ટ કહ્યું હતું કે પેપર લીક થયા બાદ કાર્યવાહી કરવી એક વાત છે. પરંતુ અમે એમ પણ કહ્યું હતું કે પેપર લીક પહેલા જે વ્યવસ્થા હતી, યુનિવર્સિટી પરીક્ષાઓના નિયમો હતો, તેમનું ફરીથી મૂલ્યાંકન કરવું પડશે, અધ્યયન કરવું પડશે અને ફરીથી ડિઝાઇન કરવું પડશે.