ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ના સુપર-૮ માં ભારતનો સામનો ગઈકાલ ગુરુવારે અફઘાનિસ્તાન સામે થયો હતો. આ મેચમાં વિકેટ કીપર રિષભ પંતે ત્રણ કેચ ઝડપ્યા હતા. ભારતીય કેપ્ટન રોહિત શર્માનો કેચ લેવા પર બૂમો પાડવા પર ફની રિએક્શનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રોહિત રિષભને કહી રહ્યો છે કે ‘તે તારો જ કેચ છે, તે તારો જ છે.’
વાસ્તવમાં, આ ફની ઘટના ૧૧ મી ઓવરમાં બની જ્યારે ગુલબદ્દીન નાયબે કુલદીપ યાદવનો શોટ ખોટા ટાઈમિંગ સાથે રમ્યો અને બોલ હવામાં ગયો. ઋષભ પંત કેચ લેવા માટે આગળ વધ્યો અને બૂમો પાડતો રહ્યો કે આ તેનો કેચ છે, બધાને દૂર રહેવાની ફરજ પડી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ આ કેચની નજીક હતો. પંતે બૂમ પાડી ત્યારે શર્મા અટકી ગયો.
પંતે કેચ કર્યા બાદ રોહિત પંતને કહેતો જોવા મળ્યો હતો કે આ કેચ તેનો હતો. રોહિતે પંતને કહ્યું, ‘તે તારો જ કેચ છે, તારો છે.’ હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ICCએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેનો વીડિયો શેર કર્યો છે. ક્રિકેટ ચાહકો દ્વારા આ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
સુપર-૮ ની પ્રથમ મેચમાં ભારતે અફઘાનિસ્તાનને ૪૭ રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતાં ભારતે ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૮૧ રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે ૫૩ રન ફટકાર્યા હતા. જેના જવાબમાં અફઘાનિસ્તાનની આખી ટીમ ૨૦ ઓવરમાં ૧૩૪ રનમાં જ સમેટાઈ ગઈ હતી. જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહને ૩-૩ વિકેટ લીધી હતી.