અમદાવાદમાં મેઘરાજા ગર્જના સાથે સવારી કરી શકે છે, તો વલસાડમાં રવિવારે ભારે વરસાદની સંભાવના છે. ચોમાસુ આગળ વધવા અનુકૂળ સ્થિતિ સર્જાઈ.

ગુજરાત માં વરસાદને લઈ સારા સમાચાર સામે આવી રહ્યા છે. વલસાડમાં રવિવારે ભારે વરસાદ થઈ શકે છે, તો અમદાવાદમાં પણ આવતીકાલે શનિવારે મેઘરાજાની એન્ટ્રી જોવા મળી શકે છે. તો ચોમાસુ આગળ વધવાની આશા પણ વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની વરસાદને લઈ આજની આગાહી અનુસાર, આગામી ઉત્તર અરબ સાગરના બાકીના ભાગો ગુજરાતના રાજ્યો, મહારાષ્ટ્રના બાકીના ભાગો છત્તીસગઢ, બંગાળની ખાડી, ઝારખંડ, બિહાર અને પૂર્વ ઉત્તર પ્રદેશના જિલ્લાઓમાં નૈઋત્યનું ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ નિર્માણ પામી રહી છે.
ક્યાં ક્યારે વરસાદ પડશે ?
હવામાન વિભાગની આજની શુક્રવારની આગાહીની પહેલા વાત કરીએ તો, દાહોદ, મહિસાગર, અરવલ્લી, પંચમહાલ જિલ્લામાં એક-બે સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે, તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લીમાં છૂટા ચવાયા સ્થળોએ હળવો વરસાદ, તો મધ્ય ગુજરાતમાં ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુરમાં પણ એક બે સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી.
આ બાજુ દક્ષિણ ગુજરાત અને સોરાષ્ટ્રની વાત કરીએ તો, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દાદરા નગરહવેલી સહિતના વિસ્તારમાં મેઘ ગર્જના સાથે હળવા વરસાદની આગાહી વ્યક્ત કરી છે, તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવ જિલ્લામાં અનેક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
આવતીકાલ શનિવાર માટે અમદાવાદને બાદ કરતા હવામાન વિભાગે કોઈ શહેર કે જિલ્લા માટે વરસાદની મોટી ચેતવણી વ્યક્ત કરી નથી, પરંતુ વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. હવમાન વિભાગ અનુસાર, આવતીકાલે સાંજે, અથવા રાત્રે અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારમાં વીજળીના કડાકા સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. તો શુક્રવારના દર્શાવેલા જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે.
રવિવારની વાત કરીએ તો, હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના વલસાડ, અને દમણ દાદરાનગર હવેલી જિલ્લાઓમાં એક બે સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લીમાં છૂટા છવાયા સ્થળોએ હળવો વરસાદ, તો મધ્ય ગુજરાતમાં ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુરમાં પણ એક બે સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી.