આજથી ૧૮મી લોકસભાનું સત્ર શરૂ થઈ રહ્યું છે. સૌથી પહેલા આ સત્રમાં તમામ સાંસદોની શપથ ગ્રહણ સમારોહ યોજાશે, જેમાં પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબ તમામ સાંસદોને શપથ લેવડાવશે. આ સાથે સ્પીકર પદ માટે પણ ચૂંટણી થશે. આ સૌની વચ્ચે ભર્તૃહરિ મહતાબે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લઈ લીધા બાદ સંસદ જવા રવાના થયા હતા.
પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે દેશને એક જવાબદાર વિપક્ષની જરૂર છે. અમે આશા રાખીએ છીએ કે વિપક્ષ દેશના લોકતંત્રની ગરીમાને જાળવી રાખશે. જનતા આશા રાખે છે કે વિપક્ષ સારા પગલાં ભરશે. દેશને એક સારા વિપક્ષની જરૂર છે. અમે બધાને સાથે લઈને ચાલવા માગીએ છીએ. નવા સાંસદોને અમે શુભેચ્છા પાઠવીએ છીએ. નવા ચુંટાયેલા સાંસદોનું સ્વાગત કરીએ છીએ. નવી ગતિ, નવી ઊંચાઇ મેળવવા આપણે સૌએ સાથે મળીને કામ કરવું પડશે.
૧૦:૪૦
વડાપ્રધાન મોદીએ ઈમરજન્સી કાળનો ઉલ્લેખ કરી કોંગ્રેસને ઘેરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત સત્તા સંભાળ્યા બાદ આજે પહેલીવાર સંસદની બહાર સંબોધન કર્યું હતું. ૧૮મી લોકસભાના પ્રથમ સત્રની શરૂઆત પહેલા તેમણે કહ્યું કે નવા સંકલ્પો સાથે કામ કરશે આ ૧૮મી લોકસભા. તેમણે કહ્યું કે આવતીકાલે ૨૫ જૂન છે અને તે દિવસે દેશમાં ઈમરજન્સી કાળ એટલે કે ઈન્દિરા ગાંધીની સરકાર દ્વારા લાગુ કરાયેલી કટોકટીને ૫૦ વર્ષ પૂરાં થઇ જશે. દેશને એક કેદખાનું બનાવી દેવામાં આવ્યું હતું. લોકતંત્ર માટે ૨૫ જૂનનો દિવસ ભૂલી જવાનો દિવસ છે. લોકતંત્ર પર એ ઘટના એક કલંક સમાન.
૧૦:૩૫
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ ભવન પહોંચ્યા
૧૦:૩૧
પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબ સંસદ ભવન માટે રવાના થઈ ગયા છે. આજથી સંસદનું સત્ર શરૂ થઈ રહ્યું છે. આજે સૌથી પહેલું કામ સાંસદોને શપથ લેવડાવવાનું છે.
૧૦:૩૦
આ વખતે સત્રનો કેવો છે એજન્ડા?
રાષ્ટ્રપતિ ૨૭ જૂને સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. ત્યારપછી રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા ૨૮ જૂને શરૂ થશે. વડાપ્રધાન ૨ અથવા ૩ જુલાઈએ ચર્ચાનો જવાબ આપશે. આ સત્ર ૨૪ જૂનથી ૩ જુલાઈ સુધી ચાલશે અને ૧૦ દિવસમાં કુલ ૮ બેઠકો યોજાશે.