સેન્સેક્સ ૭૮000ની નજીક અને નિફ્ટીએ પણ વટાવી સર્વોચ્ચ સપાટી.
ભારતીય શેરબજારમાં બે દિવસ વોલેટિલિટીમાં શુષ્ક માહોલ રહ્યા બાદ આજે ફરી પાછો આકર્ષક ઉછાળો નોંધાયો છે. બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસિઝના શેરોમાં તેજીના સથવારે આજે સેન્સેક્સ, નિફ્ટી સહિત બેન્કેક્સ અને ફાઈનાન્સિયલ સર્વિસિઝનો ઈન્ડેક્સ ઓલટાઈમ હાઈ થયો છે.
બપોરના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ ૬૧૯.૧૯ પોઈન્ટના ઉછાળા સાથે ૭૭૯૬૦.૨૭ની નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. હવે ૭૮૦૦૦નું લેવલ ક્રોસ કરવામાં થોડું જ અંતર રહ્યું છે. ૦૨:૦૦ વાગ્યે ૬૧૧.૫ પોઈન્ટ ઉછળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી પણ ૨૩૬૬૮.૬૫ની સર્વોચ્ચ સપાટી નોંધાવી ૨૩૬૫૫ પર ટ્રેડ થઈ રહ્યો હતો. આજે બીએસઈ ખાતે ૨૯૯ શેર્સમાં અપર સર્કિટ વાગી હતી. જ્યારે ૨૯૩ શેર્સ વર્ષની નવી ટોચે પહોંચ્યા હતા. બીએસઈ માર્કેટ કેપ ૪૩૫.૮૨ લાખ કરોડ થયુ હતું.
બેન્ક નિફ્ટી આજે પ્રથમ વખત ૫૨ હજારનું લેવલ ક્રોસ કરી સર્વોચ્ચ ૫૨૫૧૧.૩૦ની ટોચે પહોંચ્યો હતો. નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિઝે પણ ૧.૫૧ % ઉછાળા સાથે નવી રેકોર્ડ ટોચ બનાવી છે.એક્સિસ બેન્ક ૨.૬૬ %, આઈસીઆઈસીઆઈ બેન્ક ૨.૨૮ % અને એચડીએફસી બેન્ક ૨.૨૫ %, તથા એસબીઆઈનો શેર ૧.૫૦ % ઉછળ્યો છે. બીએસઈ બેન્કેક્સમાં સામેલ ૯ સ્ક્રિપ્સ પૈકી માત્ર કેનેરા બેન્કનો શેર ૦.૪૭ % ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો.
સ્મોલકેપ, ટેલિકોમ્યુનિકેશન્સ, બેન્કેક્સ ઈન્ડેક્સ નવી રેકોર્ડ ટોચે પહોંચ્યા છે. જ્યારે બીજી બાજુ મીડકેપ શેર્સમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. રિયાલ્ટી, ઓટો, એફએમસીજી શેર્સમાં પણ વેચવાલીનું પ્રેશર વધ્યું છે. મિડકેપ ઈન્ડેક્સ ૦૨:૧૬ વાગ્યે ૦.૩૧ % ઘટાડે ૪૫૯૯૪.૮૬ પર ટ્રેડ થઈ રહ્યો હતો. જે અગાઉ ૧૯ જૂને ઓલટાઈમ હાઈ થયો હતો. લોધા ડેવલપર્સ, ટ્રેન્ટ, મેક્સ હેલ્થ સહિત મિડકેપના જાણીતા શેર્સમાં રોકાણકારો પ્રોફિટ બુક કરતાં નજરે ચડ્યા છે.