બોમ્બે હાઈકોર્ટએ સગીર આરોપીને આપ્યા જામીન.
પૂણે પોર્શ કાર અકસ્માત કેસમાં બોમ્બે હાઈકોર્ટે સગીર આરોપીને સુધાર ગૃહમાંથી છોડી મુકવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે સગીર આરોપીને જામીન આપ્યા છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે, સગીર આરોપીએ તેની કાકી સાથે રહેવું પડશે.
પૂણેમાં એક સગીરે નશાની હાલતમાં પોર્શ કાર ચલાવી અકસ્માત સર્જોય હતો, જેમાં ૧૯ મેએ બે આઈટી પ્રોફેશનલ્સના મોત થયા હતા. દેશભરમાં આ અકસ્માતની ચર્ચાઓ થઈ હતી. આ પહેલા જુવેનાઈલ જસ્ટિસ બોર્ડના સભ્ય એલ.એન.દાનવડેએ સગીરને માર્ગ સલામતી પર ૩૦૦ શબ્દોનો નિબંધ લખવા સહિતની કેટલીક હળવી શરતો સાથે જામીન આપતા ભારે વિવાદ થયો હતો.
પૂણેમાં પોર્શે કાર હેઠળ બંને કચડી નાખનાર સગીર છોકરાને બચાવવા માટે શ્રીમંત અગ્રવાલ પરિવારે તમામ સંભવિત પ્રયાસ કર્યા હતા. કુળદીપકને બચાવવા આરોપીના પિતા અને દાદાએ ડ્રાઇવરને ખોટું નિવેદન નોંધાવવા દબાણ કર્યું હતું. ડ્રાઇવરનું અપહરણ કરી સગીરના પિતા અને દાદાએ તેને બંગલૉમાં ગોંધી રાખી રોકડ રકમ, ગિફ્ટની લાલચ આપી હતી. પરંતુ તેમની વાત ન માનતા આરોપીએ ડ્રાઇવરને ધમકી આપી હતી, એમ પૂણે પોલીસ કમિશનર અમિનેશ કુમારે ૨૫મી મેએ જણાવ્યું હતું.
આ કેસમાં અકસ્માત સર્જનારા તરુણ, તેના પિતા વિશાલ અગ્રવાલ અને હવે તેના દાદા સુરેન્દ્ર અગ્રવાલ એમ ત્રણેયની ધરપકડ કરાઈ હતી. આમ એક જ કેસમાં ત્રણ ત્રણ પેઢી પોલીસના સકંજમાં આવી હતી. સુરેન્દ્ર અગ્રવાલે ડ્રાઈવરનું અપહરણ કરી તેને ગોંધી રાખી તેને ગુનો પોતાના માથે લઈ લેવા ધાકધમકી આપી હતી. તેમના ઘરેથી સીસીટીવી કેમેરાની ડીવીઆર જપ્ત કરાઈ છે અને પ્રાથમિક તપાસમાં ફૂટેજ સાથે ચેડાં થયા હોવાનું સરકારી પક્ષે કોર્ટને જણાવ્યું હતું. ત્યારબાદ કોર્ટે આરોપીને ૨૮ મે સુધીની પોલીસ કસ્ટડી આપી હતી. ફેમિલી ડ્રાઈવરને ૧૯ મેના અકસ્માત બાદ ખોટી રીતે ઘરમાં ગોંધી રાખવા બદલ સગીરના દાદાની ધરપકડ કરવામાં આવી હતી.