ક્રિકેટ જ અનિશ્ચિતતાઓની રમત છે એ બધા જ જાણે છે. તાજેતરનો મામલો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટથી સામે આવ્યો છે જ્યાં ઈંગ્લેન્ડના ઝડપી બોલર ઓલી રોબિન્સને એક જ ઓવરમાં ૪૩ રન લુટાવ્યાં. તેના નામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ઈતિહાસની બીજી સૌથી મોંઘી ઓવર ફેંકવાનો અણગમતો રેકોર્ડ નોંધાયો છે. લીસેસ્ટરશરના લુઈસ કિમ્બર નામના તોફાની બેટરે તેની ધોલાઈ કરીને આ રેકોર્ડ બનાવ્યો હતો. જ્યારે ઓલી રોબિન્સન સસેક્સ માટે રમી રહ્યો હતો.
૩૦ વર્ષના જમણાં હાથના બોલર રોબિન્સને ઈંગ્લેન્ડ માટે ૨૦૨૧ માં પર્દાપણ સાથે ૨૦ ટેસ્ટ રમી હતી. હોવમાં સસેક્સ માટે રમતી વખતે લીસેસ્ટરશર સામે ડિવિઝન બે મેચમાં તેની ઓવર પૂરી કરવા માટે તેણે કુલ ૯ બોલ ફેંકવા પડ્યા જેના પર ૪૩ રન બન્યા હતા. લુઈસ કિમ્બરે રોબિન્સનને ૫ છગ્ગા ( ૩ નો બોલ પર), ૩ ચોગ્ગા અને એક રન સાથે ૪૩ રન બનાવ્યા હતા. આ લીસેસ્ટરની બીજી ઇનિંગની ૫૯ મી ઓવર હતી ત્યારે કિમ્બર ૫૬ બોલમાં ૭૨ રન બનાવી રમતમાં હતો. લીસેસ્ટરે સસેક્સને ૪૪૬ રનનું લક્ષ્ય આપ્યું હતું. રોબિન્સનની ઓવરના અંતે કિમ્બર ૬૫ બોલમાં ૧૦૯ રને પહોંચી ગયો હતો.
રોબિન્સન ૧૩મી ઓવર ફેંકવા આવ્યો હતો જેમાં ૬,૬,૪,૬,૪,૬,૪,૬ અને ૧ રન સાથે કુલ ૪૩ રન બન્યા હતા. આ ઓવરમાં તેણે ૩ નો બોલ ફેંક્યા હતા. આ રીતે રોબિન્સને ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ રન લુંટાવવાનો રેકોર્ડ પણ બ્રેક કર્યો. તેણે અગાઉ ટેસ્ટના ઝડપી બોલર એલેક્સ ટ્યૂડરના ૧ ઓવરમાં ૩૮ રનનો રેકોર્ડ તોડી નાખ્યો.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોંઘી ઓવર ૧૯૯૦ માં નાખવામાં આવી હતી. વેલિંગ્ટન અને કેંટરબરી વચ્ચે શેલ ટ્રોફી મેચ દરમિયાન ન્યૂઝીલેન્ડના પૂર્વ ઓફ બ્રેક બોલર વર્ટ વાંસે ૭૭ રન બનાવ્યા હતા જેણે એ ઓવરમાં ૧૭ નો બોલ ફેંક્યા હતા.