રાહુલ ગાંધીએ ઊઠાવ્યો મુદ્દો.
૧૮ મી લોકસભાના સંસદ સત્રના ૫મા દિવસની કાર્યવાહી શરૂ થતાં હોબાળો મચી ગયો હતો. સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભા માં NEET મુદ્દે વિપક્ષ દ્વારા ચર્ચાની માગ કરવામાં આવી હતી. જેના પગલે હોબાળો થતાં કાર્યવાહી બપોરના ૧૨:૦૦ વાગ્યા સુધી અટકાવી દેવામાં આવી હતી.
સંસદના બંને ગૃહોમાં આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ના અભિભાષણ બાદ ધન્યવાદ પ્રસ્તાવ અંગે ચર્ચા થવાની હતી. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ સ્પીકર ઓમ બિરલાએ ગૃહના ૧૩ પૂર્વ સભ્યોના નિધનની જાણકારી પણ આપી હતી. જોકે કાર્યવાહી શરૂ થતાં જ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ NEET પેપર લીક મુદ્દે ચર્ચાની માગ કરતાં હોબાળો શરૂ થઇ ગયો હતો.
લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષના નેતા રાહુલ ગાંધી એ ગૃહમાં NEETનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ NEET પર ચર્ચાની માંગ કરી હતી. તેની સામે સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે તમે રાષ્ટ્રપતિ ના સંબોધન પર ચર્ચા દરમિયાન કોઈપણ વિષયને ઉઠાવી શકો છો, તમે તમારા મંતવ્યો વિગતવાર રજૂ કરી શકો છો. રાહુલ ગાંધીએ સ્પીકરને બે મિનિટનો સમય આપવાની માંગ કરી હતી. તેના પર સ્પીકરે કહ્યું કે તમે બે મિનિટ નહીં પણ તમારી પાર્ટીનો પૂરો સમય લઈ લેજો. ત્યારબાદ સ્પીકરે સભ્યોને તેમના નામની સામે ચિહ્નિત કરેલા ફોર્મને ગૃહના ટેબલ પર મૂકવા કહ્યું. જેના પર વિપક્ષી સભ્યોએ સૂત્રોચ્ચાર અને હંગામો મચાવ્યો હતો. હંગામાને કારણે ગૃહની કાર્યવાહી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.