જુલાઇ મહિનામાં ચોમાસાના વરસાદ વિશે હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. તમને જણાવી દઇયે કે, જૂનમાં ૧૪૭.૨ મીમી વરસાદ નોંધાયો છે, જે ૨૦૦૧ બાદ સૌથી ઓછો વરસાદ વાળો સાતમો મહિનો છે.

વેધર અપડેટ: જુલાઇ મહિનામાં ચોમાસાના વરસાદ વિશે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. દેશના ઘણા શહેરો અને રાજ્યોમાં જબરદસ્ત વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર ભારત, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડતા તાપમાનમાં ઘટાડો થયો છે. આ દરમિયાન આઈએમડી તરફથી સોમવારે એક સારા સમાચાર આવ્યા છે. આઇએમડીના વડા મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, દેશભરમાં જુલાઈમાં સરેરાશ વરસાદ સામાન્યથી વધુ રહેવાની સંભાવના છે. આ લાંબા ગાળામાં સરેરાશ ૨૮.૦૪ સેમી વરસાદની ૧૦૬ %થી વધુ રહેશે.
હવામાન વિભાગના વડા મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, પૂર્વોત્તર ભારતના ઘણા વિસ્તાર અને ઉત્તર-પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણપૂર્વ દ્વીપકલ્પ ભારતના વિસ્તાર ને બાદ કરતા દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય થી વધુ વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે પશ્ચિમ કિનારા સિવાય ઉત્તર પશ્ચિમ ભારત અને દક્ષિણ દ્વીપકલ્પ ભારતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય થી નીચે રહેવાની સંભાવના છે.
તાપમાન સામાન્ય કરતા ઓછું રહેશે : આઈએમડી
હવામાન વિભાગે જુલાઈ મહિનાના સરેરાશ તાપમાન અંગે પણ અપડેટ આપ્યું છે. પશ્ચિમ કિનારાને બાદ કરતાં, ઉત્તર-પશ્ચિમ ભારત અને દક્ષિણ દ્વીપકલ્પ ભારતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે ઓછું રહેવાની સંભાવના છે, એમ તેમાં જણાવાયું હતું. એટલું જ નહીં, મધ્ય ભારત, પૂર્વ અને પૂર્વોત્તર ભારત અને પશ્ચિમ તટના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય થી ઉંચુ રહી શકે છે.
જુલાઈમાં સારા વરસાદની સંભાવના : હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે આગાહી કરી છે કે, જુલાઈમાં ચોમાસાના સારા વરસાદની સંભાવના છે. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે વાદળછાયા આકાશને કારણે લઘુત્તમ તાપમાન વધારે હોય છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં ૧૯૦૧ પછી ગયા મહિને જૂનમાં સરેરાશ તાપમાન ૩૧.૭૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સૌથી ગરમ હતું. માસિક સરેરાશ મહત્તમ તાપમાન ૩૩.૮૦ ડિગ્રી સેલ્સિયસ હતું. જે સામાન્ય થી ૧.૯૬ ડિગ્રી સેલ્સિયસ વધારે છે.

આઇએમડીના જણાવ્યા અનુસાર, સરેરાશ લઘુત્તમ તાપમાન ૨૫.૪૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તે પણ સામાન્ય થી ૧.૩૫ ડિગ્રી વધારે છે. ઉત્તરપશ્ચિમ ભારતમાં જૂનમાં સરેરાશ તાપમાન ૩૧.૭૩ ડિગ્રી સેલ્સિયસ હતું. જે સામાન્યથી ૧.૬૫ ડિગ્રી સેલ્સિયસ વધારે છે. વળી, વર્ષ ૧૯૦૧ બાદ સૌથી વધુ છે.
જૂનમાં સામાન્ય કરતા ઓછો વરસાદ
આઇએમડી એ જૂનમાં પડેલા વરસાદ વિશે પણ માહિતી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશમાં જૂનમાં ૧૪૭.૨ મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય વરસાદ ૧૬૫.૩ મીમી છે. ૨૦૦૧ બાદ તે સૌથી ઓછો વરસાદ વાળો સાતમો મહિનો છે. દેશમાં ૧૧ જૂનથી ૨૭ જૂન સુધી ૧૬ દિવસ સુધી સામાન્ય થી ઓછો વરસાદ થયો છે.