વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ક્રિકેટ ટીમે પીએમ મોદી સાથે કરી મુલાકાત.
ભારતીય ટીમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું
અગાઉ આજે વહેલી સવારે રોહિત શર્માના નેતૃત્વમાં વિશ્વ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમ બાર્બાડોસથી દિલ્હી પહોંચી હતી. ટી-૨૦ વર્લ્ડ કપની ટ્રોફી જીતીને ઈન્ડિયન ક્રિકેટ ટીમ દિલ્હી એરપોર્ટ પર પહોંચી ત્યારે ચાહકોની ભારે ભીડ ઉમટી પડી હતી ભારતીય ટીમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને એરપોર્ટની બહાર આવતા અને બસમાં બેસીને હોટેલ તરફ રવાના થતા જોઈ ફેન્સ ખુશ ખુશ થઇ ગયા હતા. વિરાટ કોહલી ફેન્સનું અભિવાદન ઝીલતો દેખાયો હતો.
ટીમ ઈન્ડિયાનો આજનો કાર્યક્રમ
– પીએમ મોદીને મળ્યા બાદ ખેલાડીઓ ચાર્ટર્ડ ફ્લાઈટથી મુંબઈ જશે.
– મુંબઈમાં ઉતર્યા બાદ તમામ ખેલાડીઓ ઓપન બસમાં વાનખેડે સ્ટેડિયમ પહોંચશે.
– આજે સાંજે ૦૫:00 વાગ્યાથી મરીન ડ્રાઈવ અને વાનખેડે સ્ટેડિયમ વચ્ચે વિજય પરેડ થશે.
ટી-૨૦માં ભારતીય ટીમ ૧૭ વર્ષ બાદ બની ચેમ્પિયન
ભારતીય ટીમે ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં ઈતિહાસ રચી દીધો હતો. અને ટીમ ટી-૨૦માં બીજી વખત ચેમ્પિયન બની હતી. ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકા સામે ૭ રનથી વિજય મેળવ્યો હતો. આ પહેલા ભારતીય ટીમ ૨૦૦૭ નો ટી-૨૦ વર્લ્ડ કપ જીતી ચૂકી છે. આ ઉપરાંત ભારતીય ટીમે ૧૯૮૩ અને ૨૦૧૧ માં વનડે વર્લ્ડ કપમાં પણ વિજેતા બની છે. આ વખતે વર્લ્ડ કપ જીત્યા બાદ વિરાટ કોહલી, કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ટી-૨૦ ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.