ભારતમાં ભોજન બનાવવા વિવિધ ખાદ્ય તેલનો ઉપયોગ થાય છે. જો કે દેશમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા તેલ પર અમેરિકા અને યુરોપમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ભારતીય ભોજનમાં વિવિધ પ્રકારના ખાદ્યતેલનો ઉપયોગ કરવામાં આવે છે. શુદ્ધ મસાલા અને તેલ ભોજનનો સ્વાદ વધારે છે. ભારતમાં મોટાભાગના લોકો રસોઈમાં જે તેલનો વપરાશ કરે છે તે સરસવનું તેલ છે. સરસવનું તેલ એ એક કુદરતી તેલ છે જેમાં શરીર માટે આવશ્યક પોષક તત્વો હોય છે. આ તેલના પોષક તત્વોની વાત કરીએ તો તેમાં સેચ્યુરેટેડ ફેટ, પ્રોટીન, ઓમેગા-૩ ફેટી એસિડ, ઓમેગા-૬ ફેટી એસિડ, પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ, ફાઇબર અને અન્ય સૂક્ષ્મ પોષક તત્વો હોય છે. આ તમામ પોષક તત્વો શરીરને સ્વસ્થ રાખે છે.
અનેક રિસર્ચમાં એ વાત સાબિત થઈ ચૂકી છે કે સરસવ તેલનું સેવન કરવાથી વજન કંટ્રોલ રહે છે, શરીર સ્વસ્થ રહે છે અને હૃદયની તંદુરસ્તી પણ સુધરે છે. ભારતમાં ઘણા ઘરમાં જે તેલનો વપરાશ થાય છે તેના પર અમેરિકા સહિત ઘણા દેશોએ પ્રતિબંધ મૂક્યો છે. ખાસ સુગંધ અને સ્વાદ માટે પ્રખ્યાત આ તેલ પર અમેરિકા અને યુરોપમાં કેમ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? આવો જાણીએ
અમેરિકામાં સરસવના તેલ પર પ્રતિબંધ કેમ?
યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર સરસવના તેલમાં વધુ માત્રામાં એરુસિક એસિડ હોય છે. તે એક પ્રકારનો ફેટી એસિડ છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ એસિડનું સેવન કરવાથી મેટાબોલિઝમ યોગ્ય રીતે નથી થતું અને તે મગજના કોષોને નુકસાન પહોંચાડે છે.
એરુસિક એસિડ યાદશક્તિને નબળી પાડે છે અને ઘણા પ્રકારના માનસિક રોગોનું કારણ બને છે. આ તેલનું સેવન કરવાથી શરીરમાં ચરબી જમા થવાનું પણ વધે છે. સરસવના તેલના આ તમામ દોષોને ધ્યાનમાં રાખીને, અમેરિકા, કેનેડા અને યુરોપમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સ્વાસ્થ્ય માટે એરુસિક એસિડ કેવી રીતે ઝેર છે?
એરુસિક એસિડ એક મોનોઅનસેચ્યુરેટેડ ઓમેગા-૯ ફેટી એસિડ છે, જે સામાન્ય રીતે સરસવના તેલમાં જોવા મળે છે. તે ઘણા સંશોધનોમાં સાબિત થયું છે કે, એરુસિક એસિડના વધુ પડતા સેવનથી આરોગ્યને નુકસાન થાય છે. આ તેલની સીધી અસર મગજના સ્વાસ્થ્ય પર પડે છે. એરુસિક એસિડનું વધતું સ્તર મ્યોકાર્ડિયલ લિપિડોસિસના વિકાસ સાથે સંકળાયેલું છે. આ એક એવી સ્થિતિ છે જેના કારણે હૃદયના સ્નાયુકોષોમાં ચરબી જમા થાય છે, જેના કારણે હૃદયની તંદુરસ્તી પર અસર પડે છે.
એરુસિક એસિડ શરીર માટે હાનિકારક છે, તેનું રોજ સેવન કરવાથી લીવરના સ્વાસ્થ્ય પર અસર પડે છે. આ તેલ રોજ ખાવાથી લીવરની સાઈઝ વધી જાય છે. આ એસિડ ફેટી લિવરની સમસ્યામાં વધારો કરી શકે છે અને લીવરને લગતી સમસ્યાઓનું જોખમ પણ વધારી શકે છે. વધુ પડતા પ્રમાણમાં એર્યુસિક એસિડનું સેવન કરવાથી પેટ અને પાચન સંબંધિત હેલ્થ સમસ્યાઓ થઈ શકે છે, જેમાં ઝાડા, પેટમાં ખેંચાણ અને ઉબકા નો સમાવેશ થાય છે.