આજે અમદાવાદમાં ૧૪૭ મી રથયાત્રાની શરૂઆત થઇ ચૂકી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ ભવ્ય રથ પર સવાર થઇ નીકળી રહ્યા છે. આ અવસરે દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચ્યા હતા અને પરિવાર સાથે તેમણે ભગવાન જગન્નાથની આરતી કરી હતી. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ભક્તોની ભીડ ઉમટી પડી છે અને જય જગન્નાથનો નાદ સંભળાઈ રહ્યો છે.
આજે રવિવારની રજા હોવાથી અમદાવાદની રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું છે. હાલ રસ્તાની બંને બાજુ ભારે ભીડ જોવા મળી રહી છે. પ્રસાદી લેવા માટે પડાપડી થઈ રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છીમાડુને આપી નૂતન વર્ષની શુભેચ્છા
આજે અષાઢી બીજ એટલે કચ્છપ્રદેશનું નૂતન વર્ષ. કચ્છીમાડુ પોતાનું નવું વર્ષ બહુ ઉત્સાહપૂર્વક મનાવે છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર કચ્છી ભાષામાં પોસ્ટ કરીને કચ્છીમાડુઓને શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાન મોદીએ લખ્યુ છે કે ‘મૂંજેં વલેં કચ્છી ભા,ભેણેંકે અષાઢી બીજ કચ્છી નયેં વરેંજે ઓચ્છવ ટાણે ધિલસેં વધાઇયું ડીયાંતો, પાંજે કચ્છજી ભોમકા અને કચ્છીએંજી સદાય ચડ઼તી થીએ, કચ્છમેં સુખ, શાંતિ ને સમૃદ્ધિ કાયમ રે અને કચ્છડ઼ેજો ડંકો દુનિયામેં વજધો રે એડ઼ી કચ્છજી કુળદેવી મા આશાપુરા વટે અરધાસ કરીયાંતો’.
ભગવાન જગન્નાથ નંદિઘોષ, બલભદ્રજી તલધ્વજ જ્યારે બહેન સુભદ્રાજી કલ્પધ્વજ રથમાં સવાર. બે ભાઈની વચ્ચે બહેન સુભદ્રાનો રથ. ભગવાન જગન્નાથ રાજવી વેશમાં નગરચર્ચાએ નીકળ્યા. રસ્તા પર ઢોલ નગારા, તેમજ ડી.જેના તાલ સાથે ભક્તો ઝૂમી રહ્યા છે. દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું.