ગૌતમ ગંભીર ૩.૫ વર્ષ સુધી આ પદ પર રહેશે. આ કાર્યકાળ ૨૦૨૭ ના અંતમાં સમાપ્ત થશે. રાહુલ દ્રવિડનો કાર્યકાળ ભારતીય ક્રિકેટ ટીમ ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં ચેમ્પિયન બનવાની સાથે જ પુરો થયો હતો.
ટીમ ઈન્ડિયાને નવા હેડ કોચ મળી ગયા છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ના સચિવ જય શાહે મંગળવારે ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરને રાહુલ દ્રવિડના ઉત્તરાધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. ગંભીરના નામની જાહેરાત માત્ર ઔપચારિકતા હતી. દ્રવિડનો કાર્યકાળ ભારતીય ક્રિકેટ ટીમ ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં ચેમ્પિયન બનવાની સાથે જ પુરો થયો હતો. ગયા વર્ષે વન ડે વર્લ્ડ કપ બાદ તેમનો કાર્યકાળ વધારવામાં આવ્યો હતો. ગંભીર ૩.૫ વર્ષ સુધી આ પદ પર રહેશે. આ કાર્યકાળ ૨૦૨૭ના અંતમાં સમાપ્ત થશે.
બીસીસીઆઈ સચિવ જય શાહે ગૌતમ ગંભીરને કોચ બનાવવાની જાહેરાત કરતા એક્સ પર કહ્યું કે ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરનું સ્વાગત કરતા મને આનંદ થાય છે. આધુનિક સમયમાં ક્રિકેટનો ઝડપથી વિકાસ થયો છે અને ગૌતમે આ બદલાતા દૃશ્યને ખૂબ નજીકથી જોયું છે. મને પુરો વિશ્વાસ છે કે પોતાની પુરી કારકિર્દી દરમિયાન ઘણા પ્રકારના પડકારોનો સામનો કરવા અને વિવિધ ભૂમિકાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યા પછી ભારતીય ક્રિકેટને આગળ વધારવા માટે ગૌતમ આદર્શ વ્યક્તિ છે.
જય શાહે રાહુલ દ્રવિડ માટે પોસ્ટ કરી
જય શાહે કોચ તરીકે ગૌતમ ગંભીરની નિમણૂકની જાહેરાત કરતા પહેલા રાહુલ દ્રવિડ માટે એક્સ પર પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું કે હું રાહુલ દ્રવિડને હાર્દિક ધન્યવાદ અને આભાર વ્યક્ત કરું છું, જેમણે મુખ્ય કોચ તરીકેના ઘણો સફળ કાર્યકાળ સમાપ્ત થયો છે. તેમના માર્ગદર્શનમાં ટીમ ઈન્ડિયા તમામ ફોર્મેટમાં એક પ્રમુખ શક્તિના ઉભરી આવી હતી. તેમાં આઈસીસી મેન્સ ટી ૨૦ વર્લ્ડ કપ ચેમ્પિયનનો તાજ પણ સામેલ છે.
આ દરમિયાન બોર્ડ ટૂંક સમયમાં જ ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફ માટે અરજીઓ મંગાવશે. અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની યજમાનીમાં યોજાયેલા ટી 20 વર્લ્ડ કપ બાદ બેટીંગ કોચ વિક્રમ રાઠૌર, બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રે અને ફિલ્ડિંગ કોચ ટી દિલીપનો કાર્યકાળ પણ પુરો થઈ ગયો હતો. બીસીસીઆઈના સચિવ જય શાહે પહેલેથી જ કહ્યું હતું કે નવા કોચ શ્રીલંકા સામેની શ્રેણીથી ભારતીય ટીમમાં જોડાશે.
બોર્ડ ગંભીરને તેના સપોર્ટ સ્ટાફની પસંદગી માટે પુરી છૂટ આપશે
ઇન્ડિયન એક્સપ્રેસને જાણવા મળ્યું છે કે બોર્ડ ગંભીરને તેના સપોર્ટ સ્ટાફની પસંદગી માટે પુરી છૂટ આપશે. ભારતીય ટીમમાં બેટિંગ કોચ હશે કે નહિ તે સ્પષ્ટ થઈ શક્યું નથી કારણ કે ગંભીર પોતે પણ તમામ ફોર્મેટમાં સફળ ઓપનર બેટ્સમેન રહી ચૂક્યો છે. આઈપીએલ ૨૦૨૪માં ચેમ્પિયન બનનાર કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)નો તે મેન્ટર હતો.
ગૌતમ ગંભીરનો ભારતીય ટીમ સાથે પ્રથમ પ્રવાસ શ્રીલંકાનો રહેશે. જ્યા ભારતીયટીમ ત્રણ ટી-૨૦ મેચ અને વનડે શ્રેણી રમશે. ભારતીય ટીમ શ્રીલંકા રોહિત શર્મા, વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વગર જશે, જેમને ટી-૨૦ વર્લ્ડ કપ બાદ આગામી સિઝન પહેલા આરામ આપવામાં આવશે. ગંભીર અને વિરાટે ટી-૨૦ ઇન્ટરનેશનલને અલવિદા કહી દીધું છે.