૧૮ લોકોના કમકમાટીભર્યા મોત, ૨૦થી વધુ ઘાયલ.
ઉન્નાવમાં લખનઉ-આગરા એક્સપ્રેસ વે નજીક બુધવાર સવારે એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. બેહટા મુજાવર ક્ષેત્રમાં ગઢા ગામ નજીક એક સ્લીપર બસ તેની આગળ ચાલતા દૂધના ટેન્કરમાં ઘૂસી ગઇ હતી. દુર્ઘટનામાં એક બાળક સહિત ૧૮ લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં. જોકે ૨૦થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. એસડીએમ નમ્રતા સિંહે પહેલા ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને સીએચસીમાં ઈજાગ્રસ્તો સાથે મુલાકાત કરી ઘટના વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો. ડૉક્ટરોને પણ સારવારમાં ઝડપ દાખવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
આ દુર્ઘટના વહેલી સવારે ૦૫:૩૦ વાગ્યે સર્જાઈ હતી. માહિતી અનુસાર એક સ્લીપર બસ તેની આગળ ચાલી રહેલા દૂધના ટેન્કરમાં પાછળથી ઘૂસી ગઈ હતી. યુપીડા કર્મીઓએ પોલીસને આ ઘટના વિશે જાણકારી આપ્યા બાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. સ્થાનિકોએ પણ લોકોને બચાવવામાં સારી એવી મદદ કરી હતી. ઘટનાબાદ ત્યાં સ્થળ પર ચીસા ચીસ મચી ગઇ હતી.
સીઓ અરવિંદ સિંહે જણાવ્યું કે આ બસ બિહારથી દિલ્હી જઈ રહી હતી જેમાં મોટાભાગના શ્રમિકો સવાર હતા. તેમાં ૫૦ થી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. ઘટના કેમ સર્જાઈ તેના વિશે જાણકારી આપતા તેમણે કહ્યું કે ડ્રાઈવરને અચાનક ઉંઘ આવી જતા આ દુર્ઘટના સર્જાઈ હોવાની શક્યતા છે.