અમરનાથના બાબા શિવલિંગને પીગળતું રોકવા આ પગલાં ભરવા જરૂરી.
અમરનાથ યાત્રા શરૂ થયાને માત્ર ૧૦ દિવસ થયા છે, ત્યારે શ્રદ્ધાળુઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મળતા અહેવાલો મુજબ હિટવેવના કારણે બાબા બર્ફાની વિલીન થઈ ગયા છે. આ વર્ષે યાત્રા ૨૯ જૂને શરૂ થઈ હતી, જોકે છ જુલાઈએ વિગતો સાંપડી છે કે, અમરનાથ ગુફામાં હિમલિંગ (બરફથી બનેલું શિવલિંગ) પીગળી ગયું છે. ઓછા સમયમાં બાબા બર્ફાની અદૃશ્ય થવા પાછળ ગરમી જવાબદાર છે. તો જાણીએ આ સમસ્યાને અટકાવવા માટે શું પગલાં ભરવા જરૂરી છે.
અમરનાથની ગુફામાં કુદરતી રીતે બરફના શિવલિંગનું નિર્માણ થાય છે. ઉનાળામાં આ ગુફાની અંદરનું પાણી થીજી જાય છે, જેના કારણે શિવલિંગનું કદ વધે છે. નિષ્ણાતોનું માનવું છે કે, જ્યારે ઓછો વરસાદ પડે છે, ત્યારે કોઈપણ વિસ્તારમાં ગરમી વધે છે. આ ઉપરાંત આ વખતે ભીષણ ગરમી પણ પડી છે. ઉત્તર અને મધ્ય ભારત મે મહિનાથી જ ભીષણ ગરમનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં જ કાશ્મીર ખીણમાં મહત્તમ તાપમાન ૩૫.૭ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું, જે સામાન્યથી ૭.૯ ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. અમરનાથ ગુફાના પૂજારીઓએ પણ દાવો કર્યો છે કે, આ વખતે ગરમીના કારણે બાબા બર્ફાની પીગળી ગયા છે.
હવામાન વિભાગના જમાવ્યા મુજબ ગ્લોબલ વોર્મિંગના કારણે વિશ્વભરમાં જળવાયું પરિવર્તન થઈ રહ્યું છે. આ કારણે ખીણના લોકો પણ ભીષણ ગરમી અને ભેજનો સામનો કરી રહ્યા છે, જેની સીધી અસર બાબા બર્ફાની પર પડી છે. જો કે માત્ર ગ્લોબલ વોર્મિંગ જ નહીં, ગુફાની આસપાસ માનવીય અને યાંત્રિક પ્રવૃત્તિઓ વધવાના કારણે પણ અસર પડી હોય તેવું કહેવાય છે.