બુધવારે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને ગુરુવારે પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. લીલા નિશાન પર શરૂઆત કર્યા પછી, સેન્સેક્સ-નિફ્ટી અચાનક લપસી ગયા અને ફરીથી લાલ નિશાન પર પહોંચ્યા.
છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો અને તે ૯૦૦ પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. ગુરુવારે બજારે જોરદાર શરૂઆત કરી, પરંતુ થોડીવારમાં તેની ગતિ ફરી ધીમી પડી ગઈ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શેરોવાળા સેન્સેક્સ ૮૦,૦૦૦ની નીચે આવી ગયા. દરમિયાન, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ પ્રારંભિક ઉછાળા બાદ ૨૪,૩૦૦ની નીચે સરકી ગયો હતો.
સેન્સેક્સ ૩૦૦ થી વધુ પોઈન્ટ તૂટ્યો
બુધવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે BSE સેન્સેક્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને આ ટ્રેન્ડ આજે પણ ચાલુ છે. જોકે, બંને બજાર સૂચકાંકોએ મજબૂત ઉછાળા સાથે કારોબારની શરૂઆત કરી હતી. સેન્સેક્સ અગાઉના ૭૯,૯૨૪ના બંધની સરખામણીમાં લગભગ ૨૦૦ પોઈન્ટના વધારા સાથે ૮૦,૧૭૦ના સ્તરે ખૂલ્યો હતો, પરંતુ કારોબારની થોડી જ મિનિટોમાં તે અચાનક ફરી ઘટવા લાગ્યો હતો. સમાચાર લખાય છે ત્યાં સુધી, સવારે ૧૧:૦૦ વાગ્યે, સેન્સેક્સ ૩૦૦.૯૯ પોઇન્ટના ઘટાડા સાથે ૭૯,૬૨૨ પર ટ્રેડ કરી રહ્યો હતો.
નિફ્ટી-૫૦એ પણ તેનો પ્રારંભિક લાભ ગુમાવ્યો હતો
સેન્સેક્સની જેમ NSE નિફ્ટી ઇન્ડેક્સ પણ લીલા નિશાન પર શરૂ થયો હતો, પરંતુ થોડી જ વારમાં તે પણ લાલ નિશાન પર આવી ગયો હતો. પાછલા ટ્રેડિંગ દિવસે નિફ્ટી ૨૪,૩૨૪.૪૫ ના સ્તર પર બંધ થયો હતો અને આજે તે ૨૪,૩૯૬.૫૫ ના સ્તરના વધારા સાથે ખુલ્યો હતો. આ પછી, સેન્સેક્સની જેમ, તે લગભગ ૭૭ પોઇન્ટ ઘટીને ૨૪,૨૪૨ પર સરકી ગયો. પાછલા ટ્રેડિંગ દિવસના ઘટાડામાં રોકાણકારોના લગભગ રૂ. ૭ લાખ કરોડનું નુકસાન થયું હતું.
આ ૧૦ શેર સૌથી વધુ લપસી ગયા
સમાચાર લખાય છે ત્યાં સુધી BSEના ૩૦ માંથી ૨૦ શેરો રેડમાં હતા. લાર્જકેપ કંપનીઓમાં સૌથી મોટો ઘટાડો નેસ્લે ઈન્ડિયા શેરમાં હતો અને તે ૧.૭૧%ના ઘટાડા સાથે રૂ. ૨૫૭૫.૨૦ પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે એચડીએફસી બેંકનો શેર ૧.૫૦%, સનફાર્મા શેર ૧.૨૧% અને બજાજ ફાઇનાન્સ શેર ૧.૧૦% ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો. મિડકેપ કંપનીઓમાં સૌથી મોટો ઘટાડો TIIndia શેર (૩.૨૬%), લોઢા શેર (૩.૧૩%) અને દિલ્હીવેરી શેર (૨.૫૦%)માં જોવા મળ્યો હતો. સ્મોલકેપ કંપનીઓમાં શોપર્સસ્ટોપ શેર ૫.૩૨%, જીટીએલ ઈન્ફ્રા શેર ૪.૭૫% અને પીજીઈએલ શેર ૪.૭૧% ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો.
ટાટા સહિતના આ શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે
બજારના ઘટાડા વચ્ચે શેરબજારમાં ટાટા ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. ટાટા મોટર્સ શેર (૧.૪૫%), ટાટા સ્ટીલ શેર (૧%) લાભ સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે યસ બેંકનો શેર ૪.૮૫ %, NIACLનો શેર ૩.૫૦%, SJVN શેર ૨ % થી વધુ વધ્યો હતો.