મુંબઈ : સસ્પેન્ડ કરાયેલા મુંબઈ પોલીસ અધિકારી સિચન વાઝેને 3જી એપ્રિલસુધીની એનઆઈએ કસ્ટડી આપવામાં આવી છે. વાઝેએ કોર્ટમાં જણાવ્યું હતું કે પોતાને બલીનો બકરો બનાવાઈ રહ્યો છે. મારે આ ગુના સાથે કોઈ સંબંધ નથી. એનઆઈએ અધિકારીએ દાવો કર્યો હતો કે વાઝેએ કબૂલ્યું છે કે તેણે મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો ગોઠવ્યા હતા.
સુનાવણી દરમ્યાન વાઝેએ જણાવ્યું હતું કે પોતે આ કેસના ઈન ચાર્જ હતા ત્યાં સુધી તેની તપાસ કરી હતી. પોતે એકલા જ નહોતા ક્રાઈમ બ્રાંચ અને મુંબઈ પોલીસે પણ તેમનું કામ કર્યું હતું. હવે ઓચિંતાના બધા આરોપો મારા પર લાદી દેવાયા છે.
વાઝેએ વધુમાં જણાવ્યું હતું કે પોતે એનઆઈએ પાસે પોતાની મેળે ગયા હતા પણ ઓચિંતાની ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવાય છેે કે મેં મારો ગુનો કબૂલી લીધો છે, પણ એ વાત સાચી નથી. કોર્ટે વાઝેને તેમનું નિવેદન લેખિતમાં આપવા કહ્યું છેે. વાઝેની એનઆઈએ કસ્ટડી 25 માર્ચે પૂરી થતી હતી. દરમ્યાન એનઆઈએએ ગેરકાયદે પ્રવૃત્તિ (નિવારણ) કાયદો લાગુ કર્યો છે.
એનઆઈએએ જણાવ્યું હતું કે તેમણે અત્યાર સુધી 35 જણના નિવેદન નોંધ્યા છે અને ડેટાનું સ્કેનિંગ પણ કરી રહી છે. દરમ્યાન એનઆઈએ અધિકારીઓએ વાઝે સાથે જોવા મળેલી રહસ્યમય મહિલાનું પણ નિવેદન રેકોર્ડ કર્યું હોવાનું કહેવાય છે.
દરમ્યાન એનઆઈએના અધિકારીઓએ જણાવ્યું હતું કે તપાસમાં એવું જણાયું છે કે વાઝેના ઘરમાંથી 62 બુલેટ મળી છે. જેનો હિસાબ નથી. તપાસકારોન જણાવ્યા મુજબ સર્વિસ રિવોલવર માટે પાયેલી 30માંથી પાંચ બુલેટ જ મળી છે. બાકીની ક્યાં ગઈ એ વિશે વાઝે કંઈ કહી નથી રહ્યા, એમ તેમણે જણાવ્યું હતું.