નેપાળમાં પડી ભાંગી ‘પ્રચંડ સરકાર’, વિશ્વાસ મત મેળવવામાં અસફળ જતા વડાપ્રધાને આપ્યું રાજીનામું.
નેપાળમાં પુષ્પ કમળ દહલ પ્રચંડના નેતૃત્ત્વવાળી સરકાર પડી ભાંગી છે. આજે સંસદમાં તેઓ વિશ્વાસ મત મેળવવામાં અસફળ ગયા હતા. જે પછી તેમણે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું છે. પાછલા સપ્તાહે તેમની સરકારમાંથી તેમના સહયોગી સીપીએન-યુએમએલ (CPN-UML)એ પોતાનું સમર્થન પાછું ખેંચ્યું હતું. દેશની ૨૭૫ સભ્યોની પ્રતિનિધિ સભામાં ૬૯ વર્ષિય પ્રચંડને ૬૩ મત મળ્યા હતા, જ્યારે વિશ્વાસ મતમાં તેમના વિરૂદ્ધ ૧૯૪ વોટ પડ્યા હતા. વિશ્વાસમત મેળવવા માટે તેમને ૧૩૮ મતની જરૂર હતી.
પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીના નેતૃત્ત્વવાળી સીપીએન-યુએમએલ (CPN-UML)એ ગૃહમાં એક મોટી પાર્ટી છે. તેણે નેપાળી કોંગ્રેસ સાથે સત્તા ગઠબંધન કરાર પર હસ્તાક્ષર કરતા પાછલા અઠવાડિયે પ્રચંડના નેતૃત્ત્વવાળી સરકારમાંથી પોતાનું સમર્થન પાછું ખેંચ્યું હતું. નેપાળી કોંગ્રેસના અધ્યક્ષે આગામી વડાપ્રધાનરૂપે ઓલીનો સમર્થન કર્યો છે. નેપાળી કોંગ્રેસ પાસ ગૃહમાં ૮૯ બેઠકો છે, જ્યારે સીપીએન-યુએમએલ પાસે ૭૮ બેઠકો છે. આ રીતે બંનેની સંયુક્ત બેઠકો ૧૬૭ પહોંચી છે. જે નિચલા ગૃહમાં આવશ્યક બહુમત ૧૩૮થી ખૂબ વધુ છે. ૨૫ ડિસેમ્બર, ૨૦૨૨ પર પદ સંભાળ્યા બાદ પ્રચંડ ચાર વખત વિશ્વાસમત હાંસલ કરવામાં સફળ રહ્યા હતા, પરંતુ આ વખતે અસફળતા મળી છે.
નેપાળના રાજકારણમાં ભારે ફેરફાર
પુષ્પ કમળ દહલ પ્રચંડ અવારનવાર વિવાદોમાં આવતા રહે છે. ૨ સૌથી મોટા પક્ષો નેપાળી કોંગ્રેસ અને યુએમએલની નવી સરકાર બનાવવા માટે ગઠબંધન બનાવ્યા બાદ નેપાળના રાજકારણમાં ભારે ફેરફાર આવ્યો છે. આ કરાર ૧ જુલાઇની રાત્રે કરવામાં આવ્યો હતો અને ૩ જુલાઇએ પ્રચંડ સરકારમાંથી યુએમએલ એ પોતાનો સમર્થન પાછો ખેંચ્યો હતો. યુએમએલના સમર્થન પરત લીધા બાદ જનતા સમાજવાદી પાર્ટીએ પણ સરકારમાંથી પોતાનો સમર્થન પરત ખેંચ્યો હતો.