ડોનાલ્ડ ટ્રમ્પઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પેન્સિલવેનિયામાં યોજાયેલી રેલીમાં ફાયરિંગની ઘટના બની છે. આ ગોળીબારમાં ડોનાલ્ટ ટ્રમ્પ પણ ઘાયલ થયા છે.

અમેરિકામાં હાલ ચૂંટણીનો માહોલ છે અને રાષ્ટ્રપતિ પદની રેસમાં આગળ ચાલી રહેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં ફાયરિંગ થયું છે. આ ફાયરિંગમાં ડોનાલ્ડ ટ્રમ્પ ઘાયલ થયા છે. તે પેન્સિલવેનિયામાં ચૂંટણી રેલી કરી રહ્યા હતા ત્યારે ગોળીબારનો અવાજ સંભળાયો હતો. આ ઘટના બાદ તરત જ સિક્રેટ સર્વિસના એજન્ટોએ તેમને તરત જ સ્ટેજ પરથી નીચે ઉતારી દીધા. યુએસ સિક્રેટ સર્વિસના પ્રવક્તા એન્થોની ગુગ્લીએલ્મીએ કહ્યું કે ટ્રમ્પ સુરક્ષિત છે.
તો બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં ફાયરિંગનો વીડિયો સામે આવ્યો છે, જેમા જોઈ શકાય છે કે ફાયરિંગનો અવાજ સાંભળતા જ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જમણા હાથથી પોતાનો જમણો કાન પકડી લે છે. પછી તેને જોવા માટે તેનો હાથ નીચે લાવે અને પછી તે પોડિયમની પાછળ ઘૂંટણિયે બેસી જાય છે. આ પછી, સિક્રેટ સર્વિસ એજન્ટોનું જૂથ તરત જ તેમને કવર કરી લે છે. આ વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે ટ્રમ્પના કાનમાંથી લોહી નીકળી રહ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું
આ ઘટના પર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે, “આ અવિશ્વસનીય છે કે આપણા દેશમાં આવું થઈ શકે છે. આ સમયે હુમલાખોર વિશે કંઈ જ જાણી શકાયું નથી, જે હવે મૃત્યુ પામ્યો છે. મને ગોળી વાગી હતી જે મારા જમણા કાનના ઉપરના ભાગમાં વાગી હતી. ઘણું લોહી નીકળ્યું હતું તેથી મને સમજાયું કે શું થઈ રહ્યું છે. તે પછી તરત જ, મને લાગ્યું કે ગોળી ચામડીને વીંધી નીકળી ગઇ.
ડોનાલ્ડ ટ્રમ્પની સારવાર ચાલુ
ડોનાલ્ડ ટ્રમ્પે ફાયરિંગ બાદ તુરંત કાર્યવાહી કરવા માટે એજન્સીઓનો આભાર માન્યો છે. તેમના પ્રવક્તા સ્ટીવન ચેઉંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ ઠીક છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ટ્રમ્પ જુનિયાએ કહ્યું હતું કે, તેમણે તેમના પિતા સાથે ફોન પર વાત કરી હતી અને તેઓ સારા છે. આ સાથે જ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને પણ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલા પર પ્રતિક્રિયા આપી છે. અમેરિકામાં આ પ્રકારની હિંસાને કોઈ સ્થાન નથી.
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાની નિંદા કરી
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ટ્વિટ કરીને લખ્યું, “મને પેન્સિલવેનિયામાં પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના કાર્યક્રમમાં થયેલા ફાયરિંગની જાણકારી આપવામાં આવી છે. ડગ અને હું હાશકારો અનુભવી રહ્યા છીએ કે તેમને કોઈ ગંભીર ઈજા પહોંચી નથી. અમે તેના માટે, તેમના પરિવાર માટે અને આ મૂર્ખામીભર્યા શૂટિંગથી ઘાયલ થયેલા અને અસરગ્રસ્ત તમામ લોકો માટે પ્રાર્થના કરી રહ્યા છીએ.
તેમણે વધુમાં ઉમેર્યું કે, અમે યુનાઇટેડ સ્ટેટ્સ સિક્રેટ સર્વિસ અને સ્થાનિક અધિકારીઓના તાત્કાલિક પગલાં માટે આભારી છીએ. આપણા દેશમાં આ પ્રકારની હિંસા માટે કોઈ સ્થાન નથી. આપણે બધાએ આ ધૃણાસ્પદ કૃત્યની નિંદા કરવી જોઈએ અને તે વધુ હિંસા તરફ દોરી ન જાય તે સુનિશ્ચિત કરવા માટે આપણી ફરજ બજાવવી જોઈએ.