અમદાવાદ એલિસબ્રિજ પાસે આંગડિયા પેઢીના કર્મચારીઓ પર મરચાની ભૂકી નાખી લૂંટ ચલાવનાર આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. તો જોઈએ શું ખુલાસા થયા.
અમદાવાદ એલિસબ્રિજ વિસ્તારમાં રીક્ષામાં બેઠેલા આંગડિયા પેઢીના કર્મચારીઓ પર મરચાની ભૂકી નાખી ૪૦ લાખની લૂંટ ચલાવનાર લૂટારૂઓને ઝડપી પાડવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. બંને ગુનેગારોએ કેવી રીતે લૂંટ ચલાવી? તેમની પાસેથી કેટલો મુદ્દામાલ કબ્જે કર્યો? કેવી રીતે પોલીસે તેમને દબોચ્યા સહિતની તમામ માહિતીનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે.
શું હતો કેસ?
તમને જણાવી દઈએ કે, ગત બુધવારે અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં બપોરે ૦૩:૩૦ કલાકે કલગી ચાર રસ્તાથી લોગાર્ડન ચાર રસ્તા તરફ જતા રોડ પર એક્ટિવા પર આવેલ બે અજાણ્યા શક્શોએ જમાલપુર એપીએમસી માર્કેટમાંથી પૈસા લઈ સીજી રોડ પોતાની ઓફિસે રીક્ષામાં બેસી જઈ રહેલા આંગડિયા પેઢીના કર્મચારી પર મરચાની ભૂકી નાખી રૂપિયા ભરેલો થેલો લૂંટી લીધો હતો, આ સાથે એરગનથી ફાયરીંગ કરી પીડિતને ઈજા પણ પહોંચાડી હતી. આ મામલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં લૂંટણી ફરિયાદ નોંધાઈ હતી.
ક્રાઈમ બ્રાન્ચ એસીપી ભરત પટેલે એલિસબ્રિજ મામલે ખૂલાસો કરતા કહ્યું કે, એલિસબ્રિજ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી લૂંટ ચલાવવવાના કેસમાં આરોપી જફરઈ ઈકબાર રંગરેજ (રહે. શાહ આલમ – દાણીલીમડા) અને મોહમ્મદ જાવેદ રંગરેજ (રહે. દાણીલીમડા) ને બાતમીના આધારે દાણીલીમડા બેરેલ માર્કેટ પાસેથી ઝડપી અટકાયતમાં લેવામાં આવ્યા છે. સાથે લૂંટમાં વાપરાવામાં આવેલ એક્ટિવા તથા ૩૫,૫૮,૫૦૦ રૂપિયા સહિત બે મોબાઈલ મળી કૂલ ૩૬,૦૮,૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.
કેવી રીતે લૂંટ ચલાવી?
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, લૂંટ કેસના ઝડપાયેલા આરોપીઓ છેલ્લા ત્રણ મહિનાથી જમાલપુર બ્રિજ નીચે એપીએમસી માર્કેટમાં પૈસા લેવા આવતા આંગડિયા પેઢીના કર્મચારીઓ ક્યારે આવે છે, ક્યાંથી કેવી રીતે જાય છે જેની રેકી કરી રહ્યા હતા. લૂંટને અંજામ આપવા દોઢ મહિના પહેલા રવિવારી બજારમાંથી સફેદ એક્ટિવાની ચોરી કરી હતી, ત્યારબાદ તેને કલર સ્પ્રે મારી કાળા કલરનું એક્ટિવા કરી દીધુ હતુ, અને નંબર પ્લેટ પણ બદલી દીધી હતી.
આરોપીઓ દ્વારા કબુલાતના આધારે ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું છે કે, ૧૦/૦૭/૨૦૨૪ ના રોજ આર. કાંતિલાલ આંગડિયા પેઢીના કર્મચારીઓ એપીએમસી માર્કેટમાંથી પૈસાની બેગ લઈ ચાલતા આવી રહ્યા હતા, ત્યારબાદ તેમણે બ્રિજના બીજા છેડેથી રિક્ષા કરી સીજી રોડ જઈ રહ્યા હતા, તે સમયે બંને આરોપીઓએ એક્ટિવા લઈ રીક્ષાનો પીછો કર્યો હતો અને બપોરે ૦૩:૩૦ કલાકે કલગી ચાર રસ્તાથી લોગાર્ડન ચાર રસ્તા તરફ જતા રોડ પર રિક્ષા પહોંચતા રીક્ષામાં બેસી જઈ રહેલા આંગડિયા પેઢીના કર્મચારી પર મરચાની ભૂકી નાખી રૂપિયા ભરેલો થેલો લૂંટી લીધો હતો, આ સાથે એરગનથી ફાયરીંગ કરી પીડિતને ઈજા પણ પહોંચાડી હતી, અને બેગ લઈ ભાગી ગયા હતા. ત્યારબાદ લૂંટના આરોપીઓ એક્ટિવા લઈ ફતેહવાડી તરફ ભાગ્યા હતા, અને બંનેએ ફતેહવાડી પહોંચી લૂંટ કરતા સમયે પહેરેલા કપડા બદલી દીધા હતા. અને અલગ અલગ વાહનોમાં બેસી પોતાની ઘરે પહોંચ્યા હોવાની કબુલાત કરી છે.
કેવી રીતે પોલીસે લૂંટ કેસનો કર્યો પર્દાફાશ
આ મામલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ક્રાઈમ બ્રાન્ચની ટીમ એક્ટિવ થઈ ગઈ હતી અને ગંભીર ગુનાને શોધવા માટે પીઆઈ અને પીએસઆઈની આર.એલ ઓડેદરા, એ.કે.પઠાણ સહિતની ટીમ બનાવી ગુનાની જગ્યાએ પહોંચી માહિતી મેળવી, તથા સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે કેસ ઉકેલવા ૪૦૦ થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસી તથા એક્ટિવાનો નંબર મેળવી તપાસ શરૂ કરી હતી, પરંતુ એક્ટિવા ની નંબર પ્લેટ ડુપ્લીકેટ હોવાનું સામે આવ્યું હતુ. તથા એક્ટિવા મળી આવ્યા બાદ ડેકીમાં કપડા મળી આવ્યા હતા, તેના પરથી લૂટારી કપડા બદલી ભાગી ગયા હોવાનું સામે આવ્યું હતુ.
પોલીસે ત્યારબાદ માનવ સૂત્રોના આધારે તપાસ કરતા સામે આવ્યું કે, આરોપીઓએ પોતાના ઘરે જવા માટે અલગ અલગ શટલ રીક્ષાનો ઉપયોગ કર્યો હતો અને સીસીટીવીથી બચવા માટે થોડે દૂર ઉતરી જતા અને થોડુ ચાલી ફરી બીજી રિક્ષા પકડી દાણીલીમડા પહોંચ્યા હતા. આ બધી હકિકતના આધારે અને બાતમીના આધારે પોલીસે બંને આરોપીઓને ઝડપી એલિસબ્રિજ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
એક દિવસ અગાઉ જ હતો લૂંટને અંજામ આપવાનો પ્લાન, પરંતુ લોક જ ન ખુલ્યું
આરોપીઓએ પોલીસ સામે કબૂલાતમાં જણાવ્યું હતુ કે, લૂંટનો પ્લાન એક દિવસ અગાઉ મંગળવારે જ હતો, પરંતુ ચોરીનું એક્ટિવા હતુ જેની ચાવી લગાવવાનું લોક પરનું કવર બંધ હતું, જે ડુપ્લીકેટ ચાવીથી ખુલ્યું જ નહીં, જેથી પીછો થઈ શક્યો ન હતો.