હરિયાણામાં EDની મોટી કાર્યવાહી, ગેરકાયદે ખનનનો આરોપ.
હરિયાણામાં યમુનાનગર સહિત અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર ખનન સાથે જોડાયેલા કાળા નાણાંની તપાસ મામલે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ આજે શનિવારે કોંગ્રેસ ધારાસભ્યની ધરપકડ કરતાં ખળભળાટ મચ્યો છે. ઈડીએ હરિયાણાના ધારાસભ્યો અને તેમના સહયોગીના ઘરે દરોડા પાડી પૂછપરછ માટે ધરપકડ કરી હતી.
ઈડીએ સોનીપતમાંથી કોંગ્રેસ ધારાસભ્ય સુરેન્દ્ર પંવારની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. અગાઉ જાન્યુઆરીમાં ઈડીએ સોનીપતમાં પંવાર અને તેના સહયોગીઓ સાથે જોડાયેલા પરિસરો, કરનાલમાં ભાજપ નેતા મનોજ વાધવાના નિવાસ સ્થાને અને યમુનાનગર જિલ્લામાં ઈનેલો ધારાસભ્ય દિલબાગ સિંહ અને તેના સહયોગીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. ત્યારબાદ દિલબાગ સિંહની પૂછપરછ માટે ધરપકડ કરવામાં આવી હતી.
મની લોન્ડ્રિંગનો આ કેસ હરિયાણા પોલીસની અનેક એફઆઈઆર બાદ પ્રકાશમાં આવ્યો છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, યમુનાનગર અને તેની આસપાસના જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી ભાડા કરાર સમાપ્ત થવા પર અને કોર્ટનો આદેશ હોવા છતાં પથ્થર, કાંકરી અને રેતીની કથિત રીતે ગેરકાયદે ખનન ચાલુ રાખતાં તપાસ હાથ ધરી હતી.
કેન્દ્રીય એજન્સી ‘ઈ-રાવણ’ યોજનામાં કથિત છેતરપિંડીની તપાસ કરી છે. હરિયાણા સરકારે ૨૦૨૦માં રોયલ્ટી અને ટેક્સ કલેક્શન સરળ બનાવવા તેમજ ખાણ ક્ષેત્રે થતી ટેક્સ ચોરીમાં ઘટાડો કરવાના હેતુ સાથે આ ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું હતું.
જુલાઈ, ૨૦૨૨માં પંવારે પોતાના પરિવારની સુરક્ષા પર જોખમો સહિત વ્યક્તિગત કારણોનો હવાલો આપતાં વિધાનસભા અધ્યક્ષ જ્ઞાનચંદ ગુપ્તાને રાજીનામું સોંપ્યું હતું. બાદમાં રાજીનામું પરત લેતાં નિવેદન આપ્યું હતું કે, મારા પુત્રને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે, પરંતુ તમે મને આશ્વાસન આપ્યું છે કે, અમે પર્યાપ્ત સુરક્ષા પ્રદાન કરીશું. આથી હું મારૂ રાજીનામું પરત લઈ રહ્યો છું.