ઈઝરાયલ અને ગાઝામાં હમાસ વચ્ચે છેલ્લાં ઘણાં સમયથી યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે આ યુદ્ધમાં પેલેસ્ટાઈન, ગાઝા અને લેબેનોન જેવા દેશો જ સામેલ હતા પરંતુ હવે યમન પર આ યુદ્ધમાં સીધી રીતે લપેટાઈ ગયું છે. અહીં ઈરાન સમર્થિત હૂથી બળવાખોરો વર્ચસ્વ ધરાવે છે અને તેમણે ઈઝરાયલ પર ડ્રોન હુમલો કરીને તેને સીધી રીતે પડકાર ફેંક્યો હતો. જેના જવાબમાં હવે ઈઝરાયલે બદલો લીધો છે.
ઈઝરાયલના વિમાનોએ શનિવારે યમનના હુદૈદાહ પોર્ટની નજીક હૂથી બળવાખોરોના સૈન્ય ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરીને કયામત જેવા દૃશ્યો સર્જી દીધા હતા. આ હુમલામાં અનેક લોકોના મોતના અહેવાલ છે. જ્યારે ૮૭ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
યમનના હૂથી જૂથ દ્વારા સંચાલિત મુખ્ય ટેલિવિઝન સમાચાર આઉટલેટ અલ મસીરા ટીવીએ સ્વાસ્થ્ય મંત્રાલયને જણાવ્યું કે અહીં ઓઈલ ડેપો અને એક વીજ સ્ટેશનને નિશાન બનાવીને કરાયેલા હવાઈ હુમલામાં મોટાપાયે જાનહાનિ થઈ છે. લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. ભીષણ બોમ્બમારાને કારણે આખું યમન ધણધણી ઊઠ્યું હતું. લોકોમાં ફફડાટ ફેલાયો હતો.