બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે સુપ્રીમ કોર્ટેનો મોટો આદેશ.
બાંગ્લાદેશની સર્વોચ્ચ અદાલતે ક્વોટા પ્રણાલીને જાળવી રાખવાના હાઈકોર્ટના આદેશને ગેરકાયદેસર ગણાવ્યો અને તેના નિર્ણયમાં સરકારી નોકરીઓમાં ૯૩ % જગ્યાઓ યોગ્યતાના આધારે ભરવાનો આદેશ આપ્યો.

બાંગ્લાદેશમાં અનામને લઈને ભારેલો અગ્નિ છે. લોકો રસ્તા પર ઉતરી ગયા છે અને ભારે વિરોધની હિંસામાં ૧૫૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. હિંસક વિરોધ વચ્ચે બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે રવિવારે સરકારી નોકરીઓમાં ક્વોટા સિસ્ટમ જાળવી રાખવાના હાઈકોર્ટના નિર્ણયને રદ કરી દીધો હતો. જો કે સર્વોચ્ચ અદાલતે અનામતની આ પ્રણાલીને સંપૂર્ણપણે નાબૂદ કરી ન હતી. બાંગ્લાદેશમાં હવે ચાલી રહેલી ક્વોટા સિસ્ટમ હેઠળ ૫૬ % સરકારી નોકરીઓ અનામત હતી. તેમાંથી ૩૦ % ૧૯૭૧ ના મુક્તિ સંગ્રામના લડવૈયાઓના વંશજો માટે, ૧૦ % પછાત વહીવટી જિલ્લાઓ માટે, ૧૦ % મહિલાઓ માટે, ૫ % વંશીય લઘુમતી જૂથો માટે અને ૧ % અપંગ લોકો માટે આરક્ષિત હતા.
સ્વાતંત્ર્ય સેનાનીઓના વંશજોને આપવામાં આવેલી ૩૦ % અનામત સામે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં દર વર્ષે લગભગ ૩ હજાર સરકારી નોકરીઓનું સર્જન થાય છે, જેના માટે લગભગ ૪ લાખ ઉમેદવારો અરજી કરે છે. એક ખાનગી ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટે ક્વોટા સિસ્ટમ જાળવી રાખવાના હાઈકોર્ટના આદેશને ‘ગેરકાયદેસર’ ગણાવ્યો છે. તેમણે કહ્યું, સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં મેરિટના આધારે સરકારી નોકરીઓમાં ૯૩ % પોસ્ટ ભરવાનો આદેશ આપ્યો હતો, જ્યારે અન્ય કેટેગરીઓ અને ૧૯૭૧ ના મુક્તિ સંગ્રામના સ્વાતંત્ર્ય સેનાનીઓના વંશજો માટે માત્ર ૭ % જગ્યાઓ અનામત રાખવા જણાવ્યું હતું.
વર્ષ ૨૦૧૮ માં બાંગ્લાદેશમાં આ ક્વોટા સિસ્ટમ વિરુદ્ધ હિંસક વિદ્યાર્થીઓનું આંદોલન થયું હતું. ત્યાર બાદ શેખ હસીના સરકારે ક્વોટા સિસ્ટમને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. સરકારના આ નિર્ણયને મુક્તિ સંગ્રામના સ્વાતંત્ર્ય સેનાનીઓના વંશજોએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ગયા મહિને હાઈકોર્ટે શેખ હસીના સરકારના નિર્ણયને રદ કર્યો હતો અને ક્વોટા સિસ્ટમ યથાવત રાખવાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટના આ નિર્ણય બાદ સમગ્ર બાંગ્લાદેશમાં હિંસક દેખાવો શરૂ થયા હતા. વિરોધીઓએ જાહેર મિલકતોને નુકસાન પહોંચાડ્યું, બસો અને ટ્રેનોને આગ લગાડી. પરિસ્થિતિ એટલી હદે કાબૂ બહાર થઈ ગઈ કે હસીના સરકારને સડકો પર સેના મોકલવી પડી.
આ વિરોધ પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં ૧૩૩ લોકોના મોત થયા છે અને ૩૦૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે, જે હજુ પણ ચાલુ છે. ૧૪ જુલાઈના રોજ વડા પ્રધાન શેખ હસીનાના નિવાસસ્થાન પર એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, જ્યારે તેમને વિદ્યાર્થીઓના વિરોધ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે જવાબ આપ્યો, જો સ્વતંત્રતા સેનાનીઓના પૌત્રોને (ક્વોટા) લાભ નહીં મળે, તો શું રઝાકારોના પૌત્રોને પણ મળશે? વડા પ્રધાન શેખ હસીનાના આ નિવેદન પછી વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ વધુ આક્રમક બન્યા હતા.
વધતી અશાંતિને રોકવા માટે સમગ્ર બાંગ્લાદેશમાં કડક કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને સૈનિકો રાજધાની ઢાકા સહિત અન્ય શહેરોની શેરીઓમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. લોકોને આવશ્યક કામ કરવા દેવા માટે શનિવારે બપોરે કર્ફ્યુમાં થોડા સમય માટે રાહત આપવામાં આવી હતી. સત્તાધારી અવામી લીગ પાર્ટીના જનરલ સેક્રેટરી ઓબેદુલ કાદિરે ન્યૂઝ એજન્સી એએફપીને જણાવ્યું કે પોલીસ અધિકારીઓને કર્ફ્યુનું ઉલ્લંઘન કરનારાઓ પર ગોળીબાર કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. હિંસક વિરોધોએ શેખ હસીનાની આગેવાની હેઠળની સરકારને તમામ જાહેર અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને અનિશ્ચિત સમય માટે બંધ કરવાની ફરજ પડી છે.