વિશ્વામિત્રીમાં પૂર નથી આવ્યું પરંતુ ભારે વરસાદને કારણે વડોદરા શહેર ‘જળમગ્ન’

વડોદરા શહેરમાં ઘર, દુકાનો, ઓફિસો પાણીમાં ગરકાવ.

વિશ્વામિત્રીમાં પૂર નથી આવ્યું પરંતુ ભારે વરસાદને કારણે વડોદરા શહેર 'જળમગ્ન' : ઘર, દુકાનો, ઓફિસો પાણીમાં ગરકાવ 1 - image

વિશ્વામિત્રી નદીની સપાટી બપોરે ચાર વાગે ૧૭ ફુટ પર પહોંચી છે તેમાં હજી પૂર આવ્યું નથી. પરંતુ માત્ર છ કલાકમાં સાત ઇંચ વરસાદ વડોદરા શહેરમાં ખાબક્યો છે જેથી સમગ્ર શહેરમાં પૂર જેવી જ પરિસ્થિતિ સર્જાઈ છે. શહેરના તમામ વિસ્તારોમાં ઘૂંટણસમા અને કેડસમા પાણી ભરાઈ જતા લોકોના ઘર, દુકાનો, ઓફિસોમાં પાણી ભરાઈ ગયા છે. હા સામે તંત્રએ ૨૦ સરકારી સ્કૂલોમાં નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયા છે તેવા ગરીબ લોકોને સ્થળાંતર કરવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. તેમજ જરૂર પડે ફૂડ પેકેટ પણ આપવામાં આવશે.

આજે વહેલી સવારથી ધીમી ગતિએ શરૂ થયેલો વરસાદ સવારે દસ વાગ્યાના સુમારે મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો હતો અને માત્ર છ કલાકમાં સાત ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેને કારણે વડોદરા શહેરના તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે તો અનેક જગ્યાએ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી સાડા આઠ ફૂટ પર પહોંચી છે જ્યારે આજવા સરોવરની સપાટી ૨૦૬ ફૂટ હતી. તેના સ્થાને આજે 208.20 ફૂટ પર પહોંચી છે. નસીબ જોગે ઉપરવાસમાં વરસાદ નહીં હોવાથી આજવાની સપાટી કે વિશ્વામિત્રી નદીની સપાટીમાં હજી પૂરની પરિસ્થિતિ થઈ નથી. જો ઉપરવાસમાં વધારે વરસાદ પડ્યો હોત તો પરિસ્થિતિ વધુ ગંભીર બની હોત. વડોદરા શહેરમાં સાત ઇંચ થી વધુ વરસાદ થવાને કારણે વહીવટી તંત્ર વિમાસણમાં મુકાઈ ગયું છે.

મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, વિધાનસભાના દંડક બાળવી શુક્લ, મેયર પિન્કીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ,સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ચીફ ઓફિસર આર્થ બ્રહ્મભટ્ટ અને આઇટી ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર મનીષ ભટ્ટ વિગેરે વડોદરાના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં મુકેલા વિવિધ વિસ્તારોના સીસીટીવી ફૂટેજ પરથી સમગ્ર માહિતી મેળવી રહ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરોમાં જ્યાં પાણી ઘૂસી ગયા છે તેવા પરિવારોને મદદરૂપ થવાની સૂચના આપવામાં આવી છે.

વડોદરા શહેરની લો લાઇન એરિયામાં આવેલી ઝુપડપટ્ટી એવી ૧૫ સ્થળોએ ઝૂંપડાઓમાં પાણી ભરાઈ ગયા છે. તો બીજી બાજુ શહેરના ચાર દરવાજા વિસ્તાર હોય અલકાપૂરી સયાજીગંજ, આજવા રોડ, વાઘોડિયા રોડ, તરસાલી, સમા સાવલી રોડ, નિઝામપૂરા ,માંજલપૂર, વડસર, ભાયલી, ઊંડેરા, ગોરવા, સુભાનપૂરા, સહિતના તમામ વિસ્તારોમાં સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. એટલું જ નહીં અનેક જગ્યાએ બેઝમેન્ટમાં આવેલી દુકાનો હોય કે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનો હોય તેમાં પણ પાણી ભરાયાની અસંખ્ય ફરિયાદો કોર્પોરેશનને મળી છે. જેથી વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રીમાં પૂર આવ્યું નથી પરંતુ ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને તેને કારણે અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

Gujarat: Heavy rains lash Vadodara, schools to remain close tomorrow |  India News - The Indian Express

વરસાદના લીધે વાલીઓ દોડ્યા, બાળકો રસ્તામાં અટવાયા

વડોદરા શહેરમાં આજે સવારથી વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે શહેરની શાળાઓ અને કોલેજો વહેલી છોડી દેવામાં આવી હતી. જોકે વરસાદના કારણે રસ્તા પર ઠેર-ઠેર પાણી ભરાયા હોવાના કારણે શાળાઓમાં ભારે અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો. કારણ કે સ્કૂલોમાં વાલીઓ અને સ્કૂલ વર્ધીના વાહનોને પહોંચવામાં પણ તકલીફ પડી હતી. શહેરમાં કેટલીક જગ્યાએ સ્કૂલ વર્ધીના વાહનો રસ્તામાં જ બંધ પડતા બાળકો અટવાઈ ગયા હતા. શહેરમાં તમામ વિસ્તારોમાં પાણી ભરાયા હોવાથી સ્કૂલોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. શાળા સંચાલકોએ વાલીઓને ફોન કરી કરીને કે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ મૂકીને તેમના બાળકોને લઈ જવા માટે અપીલ કરી હતી.

છ કલાકમાં ૭ ઇંચ વરસાદ ખાબકતાં  સ્ટેશનનું ગરનાળુ ભરાઈ ગયું 

વડોદરા શહેરમાં ભારે વરસાદના કારણે શહેરના ચાર દરવાજા વિસ્તાર તેમજ અન્ય વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે. ગત છ કલાકમાં ૭ ઇંચ વરસાદ ખાબકતાં સ્ટેશનનું ગરનાળુ ભરાઈ જતા વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે. શહેરને પૂર્વ તેમજ પશ્વિમ વિસ્તારને જોડતું આ ગરનાળુ બંધ થવાથી અનેક વાહનચાલકો અટવાઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *