ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શને હિંસક રૂપ ધારણ કર્યું છે, જેના કારણે દેશભરમાં તાણવાની સ્થિતિ છે. એવામાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી એ એક નિવેદનમાં બાંગ્લાદેશીઓને શરણ આપવાની વાત કરી હતી, આ નિવેદન પર બાંગ્લાદેશ સરકારે નારાજગી વ્યક્ત કરી છે.
મમતા બેનર્જીએ ૨૧ જુલાઈએ તૃણમુલ કોંગ્રેસ(TMC)ની શહીદ દિવસની રેલીમાં કહ્યું હતું કે તે હિંસાગ્રસ્ત બાંગ્લાદેશમાં ફસાયેલા લોકો માટે તેમના રાજ્યના દરવાજા ખુલ્લા રાખશે અને તેમને પશ્ચિમ બંગાળમાં આશ્રય આપશે. મમતા બેનાર્જીએ સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવને ટાંક્યો હતો. બાંગ્લાદેશે આ મામલે ભારત સરકારને સત્તાવાર નોટ મોકલી છે. બાંગ્લાદેશના વિદેશ પ્રધાન હસન મહમૂદે કહ્યું કે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાનના આદર સાથે અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે તેમની ટિપ્પણીઓથી ભ્રમ પેદા થવાની શક્યતા છે.
બાંગ્લાદેશમાં વધી રહેલી હિંસા અને વિરોધને બાબતે મમતા બેનર્જીએ કહ્યું હતું કે પડોશી દેશમાંથી આવતા પીડિત લોકો માટે બંગાળ પોતાના દરવાજા ખુલ્લા રાખશે અને તેમને આશ્રય આપશે. તેમણે કહ્યું હતું કે જો અસહાય લોકો પશ્ચિમ બંગાળનો દરવાજો ખખડાવશે તો અમે તેમને ચોક્કસ આશ્રય આપીશું. અશાંત વિસ્તારોને અડીને આવેલા વિસ્તારોમાં શરણાર્થીઓને સમાવવા માટે યુએનનો પ્રસ્તાવ છે.
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે મમતા બેનર્જી પાસેથી તેમની ટિપ્પણી અંગે રિપોર્ટ માંગ્યો છે. રાજભવને કહ્યું કે વિદેશી બાબતોને લગતી કોઈપણ બાબતને સંભાળવી એ કેન્દ્રનો વિશેષાધિકાર છે. રાજ્યપાલ કાર્યાલયે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિદેશથી આવતા લોકોને આશ્રય આપવાની જવાબદારી અંગે મુખ્ય પ્રધાનનું જાહેર નિવેદન ખૂબ જ ગંભીર પ્રકૃતિનું બંધારણીય ઉલ્લંઘન દર્શાવે છે.