જાણકારી મળવા પર સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. પોલીસે આ લોકોનો સ્કેચ પણ જાહેર કર્યો છે અને લોકોને તેમની ઓળખ કરવા અપીલ કરી છે.

પંજાબના પઠાનકોટના ફંગટોલી ગામમાં સાત શંકાસ્પદ લોકો એક સાથે જોવા મળ્યા છે. જાણકારી મળવા પર સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. પોલીસે પણ ગામમાં પહોંચીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. ફંગટોલી ગામમાં ગઈકાલે મોડી રાત્રે સાત શંકાસ્પદ શખ્સોએ એક મહિલા પાસેથી તેના ઘરે કથિત રીતે પાણી માંગ્યું હતું. ત્યારબાદ તેઓ જંગલ તરફ ગયા હતા. મહિલાએ પહેલા તો ગામ લોકોને જાણ કરી, ત્યારબાદ ગામ લોકોએ પોલીસને જાણ કરી હતી.
પોલીસે સ્કેચ જાહેર કર્યો
પોલીસ અને સેનાના જવાનો ગામમાં પહોંચી ગયા છે અને આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. પોલીસે આ લોકોનો સ્કેચ પણ જાહેર કર્યો છે અને લોકોને તેમની ઓળખ કરવા અપીલ કરી છે.
પોલીસે શું કહ્યું ?
ડીએસપી પઠાણકોટ સુમેરસિંહે જણાવ્યું હતું કે ગત મોડી રાત્રે બાતમી મળી હતી કે ફંગટોલી ગામમાં લગભગ સાત શંકાસ્પદ લોકો જોવા મળ્યા છે. અમે તમામ પાસાઓની તપાસ કરીશું. આજે સવારે સંયુક્ત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અમે વિસ્તારનું નિરીક્ષણ કરીશું. તેમને જોનારા લોકોના જણાવ્યા અનુસાર શકમંદો પાસે દારૂગોળો ન હતો. હાલ આ લોકો કોણ હતા, શું કરવા માટે આવ્યા તે અંગે કોઇ માહિતી સામે આવી નથી.
મહિલા પાસે પાણી માંગ્યા બાદ તે આગળ વધ્યો હતો. તેની સાથે વધુ ૬ લોકો હતા. મહિલાને શંકા જતાં તેણે ગામના અન્ય લોકોને આ અંગે જાણ કરતાં પોલીસને જાણ કરવામાં આવી હતી.
આ પહેલા પણ જોવા મળ્યા છે ૪ શંકાસ્પદ
એક ન્યૂઝના સમાચાર અનુસાર આ પહેલા પણ પઠાણકોટમાં ચાર શંકાસ્પદ લોકો જોવા મળ્યા હતા. તેઓ જિલ્લાના મામનૂના પડિયા લાહડી ગામ નજીક જોવા મળ્યા હતા. પોલીસે તેમને શોધવા માટે સર્ચ ઓપરેશન પણ શરૂ કર્યું હતું. આ લોકો આર્મી યુનિફોર્મમાં હતા. એક વ્યક્તિને રસ્તો પૂછ્યા પછી, તે આગળ વધ્યો. સરહદી વિસ્તારને કારણે પોલીસ આવા વિસ્તારો પર ખાસ નજર રાખે છે.