ભારતમાં એકત્ર કરવામાં આવેલા સૅમ્પલ્સમાંથી કોરોનાવાઈરસનો એક નવો ‘ડબલ મ્યુટેન્ટ’ મળી આવ્યો છે.
એક જ વાઇરસમાં બે મ્યુટેન્ટ સાથે હોય તેવું આ સ્વરૂપ વધારે ચેપી છે કે કેમ અને તેના પર વૅક્સિનનો ઓછો પ્રભાવ છે કે કેમ તેની ચકાસણી વિજ્ઞાનીઓ કરી રહ્યા છે.
ડબલ મ્યુટેશનના કેસોની વાત કરીએ તો ટેસ્ટ કરાયેલા નમૂનાઓ પૈકી સૌથી વધુ મહારાષ્ટ્રના નમૂનાઓમાં ડબલ મ્યુટેન્ટના કેસો જોવા મળ્યા હતા. જ્યારે દિલ્હી અને ગુજરાતમાં પણ અનુક્રમે નવ અને ત્રણ ડબલ મ્યુટેન્ટના કિસ્સા જોવા મળ્યા હતા.
હવે જ્યારે ગુજરાતમાં પણ ડબલ મ્યુટેન્ટના કેસો આવ્યા હોવાની વાતની કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિકારી દ્વારા પુષ્ટિ કરાઈ છે અને ગુજરાતમાં જ્યારે પાછલા અમુક દિવસથી કોરોનાના કેસોમાં સતત ઉછાળો દેખાઈ રહ્યો છે તેવી પરિસ્થિતિમાં કોરોના વાઇરસનું આ ડબલ મ્યુટેન્ટ ગુજરાત માટે હાલની પરિસ્થિતિમાં કેટલું ખતરનાક છે તે જાણવા માટે અને ડબલ મ્યુટેન્ટ વિશે વધુ માહિતી મેળવવા માટે બીબીસી ગુજરાતીએ નિષ્ણાત તબીબ મુકેશ મહેશ્વરી સાથે વાતચીત કરી હતી.
ગુજરાતના કોરોનાના ડબલ મ્યુટેન્ટ વૅરિએન્ટના જોખમ અંગે અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનના ડૉ. મુકેશ મહેશ્વરીએ બીબીસી ગુજરાતના સહયોગી ભાર્ગવ પરીખને જણાવ્યું કે, “આના કારણે ડાયગ્નોસિસમાં તકલીફ વધી શકે કેમ કે S કે N જીન પર જો તમે એન્ટીબૉડી બનાવ્યા હોય, તેના આઘાપાછા થવાથી સેન્સિટિવિટી ઘટી જાય છે. બીજું એ કે ચેપ ફેલાવવાની વાઇરસની શક્તિ વધી જાય છે. અને ત્રીજું આ બધાં કારણોથી મૃત્યુદર પણ વધી શકે.”
ગુજરાતમાં આ મ્યુટેન્ટ વૅરિએન્ટની સ્થિતિ અંગે ડૉ. મહેશ્વરીએ જણાવ્યું કે, ”સુરતમાં કોરોનાના કેસોમાં મળેલી સ્પાઇક મુંબઈ તરફ થતી અવર-જવરના કારણે આવી એની પૂરી શક્યતાઓ છે. હાલ એક ટકાથી પણ ઓછું જિનોમિક સિક્વન્સિંગ થઈ રહ્યું છે. જો આ ટકાવારી વધારવામાં આવે તો હજી વધારે વૅરિએન્ટ મળવાની પૂરી શક્યતાઓ છે.”
“આ પહેલાં વડા પ્રધાન મોદીએ પણ કહ્યું હતું કે આપણે પાંચ ટકા જેટલું જિનોમિક સિક્વન્સિંગ કરવું જોઈએ. આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન એક ટકાથી પણ ઓછું સિક્વન્સિંગ થયું છે. “
“આરટીપીસીઆર ટેસ્ટ પણ ઓછામાં ઓછા 70 ટકા થવા જરૂરી છે. જેથી વધું માહિતી મેળવી શકાય.”
તેમણે આગળ જણાવ્યું હતું કે, “હાલ ડબલ મ્યુટેશનના બે વૅરિએન્ટ જોવા મળ્યા છે. આવા દર્દી આઇસોલેટ કરી વૅરિએન્ટ ની વધારે તપાસ કરવી જરૂરી છે. તેની ઇન્ફેક્ટિવિટી કેટલી વધારે છે, તે કેટલો વધારે જોખમી છે, તેના પર રસી કેટલી અસરકારક છે, આ બધાં પાસાં પર તપાસ થવી જરૂરી છે.”
મ્યુટેશન અને વૅરિએન્ટ અંગે વધારે સમજાવતાં ડૉ.મહેશ્વરીએ જણાવ્યું કે, ”વાઇરસ જ્યારે આપણા શરીરમાં આવે ત્યારે તે રેપ્લીકેટ થવાનો એટલે કે ડબલ થવાનો પ્રયત્ન કરે. વાઇરસ પાસે પોતાનું કોઈ મગજ ન હોવાથી તે આ પ્રક્રિયામાં કંઈક મિસ કરી દે છે. જેને મ્યુટેશન કહેવાય. આવાં સેંકડો મ્યુટેશન થાય ત્યારે ઓરિજનલ વાઇરસ જુદો પડી જાય છે. અને આપણને એક નવો વૅરિએન્ટ મળે છે.”
“અત્યાર સુધી ભારતમાં આવા 771 વૅરિએન્ટ જોવા મળ્યા છે જેમાંથી ચાર-પાંચ જ ચિંતાજનક છે. જો કે ડબલ મ્યુટેશનના કિસ્સાઓ પહેલીવાર સામે આવ્યા છે. આ પહેલાં નાગપુરમાં જોવા મળ્યું હતું પણ તે અંગે વધારે કોઈ જાણકારી નથી.”
અન્ય વાઇરસોની માફક કોરોના વાઈરસ પણ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાતો જાય છે તેમ તેમાં નાના ફેરફાર થતા રહે છે.
એ પૈકીનાં મોટાભાગનાં મ્યુટેશન અસંગત છે અને વાઇરસની પ્રકૃતિને બદલતાં નથી.
જોકે, એ પૈકીનાં કેટલાંક મ્યુટેશન, વાઇરસ માનવશરીરમાં પ્રવેશવા માટે જે સ્પાઇક પ્રોટીનનો ઉપયોગ કરે છે તેમાં ફેરફાર કરે છે. આ સ્વરૂપ વધારે ચેપી હોઈ શકે છે. તે રોગને વધારે ગંભીર બનાવી શકે છે અને વૅક્સિન બેઅસર બનાવી શકે છે.
કોવિડ-19 માટે કારણભૂત SARS-Cov2 જેવા શ્વસનતંત્રની સમસ્યા ઊભી કરતા વાઇરસો સામે, આપણા શરીરને એન્ટીબૉડી સર્જવા ઉત્તેજિત કરીને વૅક્સિન આપણું રક્ષણ કરે છે.
તેમાં ‘ન્યૂટ્રલાઇઝિંગ એન્ટીબૉડી’ શ્રેષ્ઠ હોય છે, કારણ કે તે વાઇરસને માનવકોષોમાં પ્રવેશતાં અટકાવે છે.
સરકારના જણાવ્યા મુજબ, “ડિસેમ્બર-2020ની સરખામણીએ મહારાષ્ટ્રના હાલના સૅમ્પલ્સનું વિશ્લેષણ કરતાં જાણવા મળ્યું છે કે અહીં E484Q અને L452R મ્યુટેશનના સૅમ્પલ્સના કેટલાક હિસ્સામાં ઝડપથી વૃદ્ધિ જોવા મળી છે.”
“આ પ્રકારનાં મ્યુટેશન સંક્રામક હોય છે અને રોગપ્રતિકારક તંત્ર પર હુમલો કરતાં હોય છે,” એમ આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.