દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં આવેલ એક કોચિંગ ક્લાસમાં અજીબ ઘટના ઘટી હતી. જેમાં ક્લાસના બેઝમેન્ટમાં પાણી ભરાઇ જતા ત્રણ વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે. તંત્ર દ્વારા અન્ય વિદ્યાર્થીઓની શોઘખોળ હાથ ધરવામાં આવી છે.
દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગર સ્થિત કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી ખૂબ જ ચિંતાજનક ઘટના સામે આવી છે. આ જગ્યા સિવિલ સર્વિસિસની તૈયારી કરતા વિદ્યાર્થીઓના હબ તરીકે ઓળખાય છે. ત્યારે આ વિસ્તામાં આવેલ એક સંસ્થાના બેઝમેન્ટમાં પાણી ભરાયા હતા. જેમાં થી ત્રણ વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા છે અને અન્ય વિદ્યાર્થીઓ ફસાયેલા હોવાની માહિતી સામે આવી છે. IAS ની તૈયારી કરવા માટે વિદ્યાર્થીઓ આ કોચિંગમાં આવે છે.
ઘટનાની જાણ થતા રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં ફાયર વિભાગની ટીમ દ્વારા બેઝમેન્ટમાં સર્ચ ઓપરેશન ચાલુ કરી દેવામાં આવ્યુ છે. આ દરમ્યાન કોચિંગ સેન્ટરનો માલિક ત્યાં હાજર નહોતો. ઉપરાંત ભોંયરામાં લાઈટના અભાવે સર્ચ ઓપરેશનમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
બેઝમેન્ટની અંદર ૬ થી વધારે વિદ્યાર્થીઓ હતા
ભારે વરસાદ પડતા અને ડ્રેનેજની સમસ્યાના કારણે બેઝમેન્ટમાં અચાનક કોચિંગના પાણી ભરાઈ ગયા હતા. આ બેઝમેન્ટની અંદર ૬ થી વધારે વિદ્યાર્થીઓ હતા જે IASની તૈયારી કરી રહ્યા હતા. હાલમાં એનડીઆરએફની ટીમ, દિલ્હી પોલીસના જવાનો, ધારાસભ્ય દુર્ગેશ પાઠક, દિલ્હીના મેયર અને નવી દિલ્હીના સાંસદ બાંસુરી સ્વરાજ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
ભોંયરામાં પાણીની માત્રા વધારે
ભોંયરામાં પાણીની માત્રા વધારે હોવાના કારણે એનડીઆરએફની ટીમને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. જોકે શક્ય તેટલું ઝડપથી પાણી દૂર કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ ઘટનાને લઇ દિલ્હી સરકારના મંત્રી આતિશીએ જણાવ્યું હતુ કે દિલ્હીમાં સાંજે પડેલ ભારે વરસાદને કારણે અને પાણીના નીકાલ સમસ્યાના કારણે આ ઘટના સર્જાઇ છે. જેમાં રાજેન્દ્ર નગરમાં એક કોચિંગ ઈન્સ્ટિટ્યૂટના ભોંયરામાં પાણી ભરાઈ ગયું છે. દિલ્હી ફાયર વિભાગ અને NDRF ઘટના સ્થળ પર હાજર છે. દિલ્હીના મેયર અને સ્થાનિક ધારાસભ્ય પણ ત્યાં છે. આ ઘટના કેવી રીતે બની તે અંગે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે, કોઇ પણ જવાબદારને છોડવામાં નહી આવે.